Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

કરોડોની લહાણી કરશે આ બોસ : અમીર બનશે નોકર અને ડ્રાઇવર

કેપિટલ ફર્સ્ટના એકિઝકયુટીવ ચેરમેન વી. વૈદ્યનાથને એક નવું ઉદાહરણ સામે રાખ્યું છે : તેમણે IDFC બેંક સાથે કંપનીના મર્જર પહેલા પોતાના: ૧૦.૬૧ ટકા શેર્સ પારિવારીક સભ્ય, સાથીઓ, પહેલા કામ કરી ચૂકેલા લોકો, ડ્રાઇવર્સ અને ઘરેલુ નોકરોને આપવાની જાહેરાત કરી છે

મુંબઇ તા. ૬ : નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની (NBFC) કેપિટલ ફર્સ્ટના એકિઝકયૂટિવ ચેરમેન વી વૈદ્યનાથને એક નવું ઉદાહરણ સામે રાખ્યું છે. તેમણે IDFC બેંક સાથે કંપનીના મર્જર પહેલા પોતાના ૧૦.૬૧ ટકા શેર્સ પારિવારિક સભ્ય, સાથીઓ, પહેલા કામ કરી ચૂકેલા લોકો, ડ્રાઈવર્સ અને ઘરેલુ નોકરોને આપવાની જાહેરાત કરી છે.

સ્ટોક એકસચેન્જને આપવામાં આવીલી નોટિસમાં વૈદ્યનાથને કહ્યું છે કે તે પોતાના કુલ ૪૦.૪૦ લાખ શેર્સમાંથી ૪.૨૯ લાખ શેર્સ ટ્રાન્સફર કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે તેઓ આવું લોકો પ્રતિ પ્રેમ અને ઉમળકો દર્શાવવા માટે કરે છે. નોંધનીય છે કે વૈદ્યનાથને ૨૦૦૮માં ૨૯ કરોડ રુપિયાના નુકસાનમાં ચાલી રહેલી કંપની કેપિટલ ફર્સ્ટને પોતાની મહેનત અને લગનથી નવી ઉંચાઈઓ પર પહોંચાડી છે. ૨૦૧૮માં કંપનીને ૩૨૭ કરોડ રૃપિયાનો નફો થયો છે.

કેપિટલ ફર્સ્ટે સ્ટોક એકસચેન્જને મોકલેલા સ્ટેટમેન્ટમાં કહ્યું કે, 'કંપની હાલની બેંક સાથે વિલયની નજીક છે. આ વિલય ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવા સફરની શરુઆત પહેલા તેમણે તેવા લોકોને ધન્યવાદ અને સન્માન આપવાની ઈચ્છા જાહેર કરી. જેમણે તેમને ૨૦૧૦ના સ્ટાર્ટઅપ પોઝિશનથી આ મજબૂત સ્થિતિમાં પહોંચવામાં મદદ કરી હતી.' IDFC બેંકની સાથે કેપિટલ ફર્સ્ટના મર્જરની ઘોષણા ૧૩ જાન્યુઆરીના રોજ થઈ હતી. ૨૦૧૮ના અંત સુધીમાં આ મર્જર થઈ જશે. બન્ને પક્ષના શેરહોલ્ડર્સ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને ડીલની મંજૂરી મળી ગઈ છે. એગ્રીમેન્ટ અનુસાર IDFC બેંક કેપિટલ ફર્સ્ટના પ્રતિ ૧૦ શેર્સ માટે ૧૩૯ શેર જાહેર કરશે.

જે લોકોને શેર્સ મળશે તેમાં ૨૩ હાલના સાથીઓ, ૩ પૂર્વ સાથીઓ, વૈદ્યનાથનના બે ભાઈ અને એક બહેન, સાસરા, પત્નીના મામા, પત્નીના ત્રણ કઝિન, ૨ ડ્રાઈવર અને ત્રણ નોકરનો સમાવેશ થાય છે. કેપિટલ ફર્સ્ટના જણાવ્યાનુસાર ૪૭૮.૬૦ રુપિયા પ્રતિ શેર્સના હિસાબે આ શેર્સની કુલ કિંમત ૨૦.૫૩ કરોડ રૃપિયા છે. જેમાંથી વધારે ૨૬,૦૦૦ શેર્સ વૈદ્યનાથનના ભાઈ સત્યમૂર્તિ વેંબૂને મળશે.(૨૧.૭)

(11:44 am IST)