Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ફેબ્રુઆરી મહિનાથી સિગ્નેચર બ્રિજ ઉપરથી સમગ્ર દિલ્‍હીનો નજારો માણી શકાશે

સિદ્ધાર્થ રોય, નવી દિલ્હી: આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનાથી લાંબા સમય બાદ શરૂ થયેલા સિગ્નેચર બ્રિજ પરથી સમગ્ર દિલ્હીનો નજારો જોઈ શકશો. કુતુબ મીનારથી ડબલ ઊંચાઈ એટલે કે 154 મીટર ઊંચા સિગ્નેચર બ્રિજ પોઈન્ટ પરથી તમને દિલ્હીનો 360 ડિગ્રી પેનોરોમિક વ્યૂ મળશે. આ બ્રિજના પાયલોન ટોપ પર બનાવેલા સ્ટીલ અને ગ્લાસ બોક્સમાંથી તમે સમગ્ર દિલ્હીનો નજારો માણી શકશો.

રવિવારે ખુલ્લો મૂકાયો બ્રિજ

રવિવારે સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું અને સોમવારથી સામાન્ય જનતા માટે આ બ્રિજ ખુલ્લો મૂકાયો. જો કે ગ્લાસ ઓબ્ઝર્વેશન જેકનું કામ હજુ પૂરું નથી થયું. આ કામ પૂરું થવામાં 3 મહિના જેટલો સમય લાગશે. એટલે કે ફેબ્રુઆરી 2019 સુધી રાહ જોવી પડશે. જણાવી દઈએ કે આ પ્રોજેક્ટ પૂરો કરવાનું કામ દિલ્હી ટુરિઝમ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન (DTTDC) સંભાળી રહી છે.

કાચથી ઢંકાયેલો હશે ડેક

આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, “ઓબ્ઝર્વેશન ડેકની દરેક સાઈડથી સમગ્ર દિલ્હીનો વ્યૂ મળશે, આ ડેક ચારેબાજુ કાચથી ઢંકાયેલો હશે. લોકો દિલ્હીના નજારાને માણી શકે છે સાથે સેલ્ફી લઈ શકે છે.આ બોક્સ જાડા કાચથી તૈયાર કરવામાં આવશે પરંતુ આની પેર્ટન મિશ્ર હશે. જેમાં મોરના નાના-નાના પીંછાનો ટચ હશે.”

ક્રેક પડશે તો પણ તૂટશે નહીં કાચ

આ પેટર્નમાં ચોખ્ખા ગ્લાસ પણ રાખવામાં આવશે જેથી લોકો તસવીર ખેંચી શકે. 500mmના સ્લોટ્સ આપવામાં આવ્યા છે જેથી વિઝિટર્સ આરામથી નજારો જોઈ શકે છે. અધિકારીએ આગળ કહ્યું કે, ફ્લોરને હલકા પણ મજબૂત સ્ટીલમાંથી તૈયાર કરાયો છે. ડેક પર એક વખતે 50 લોકો આવી શકશે. પાયલોનનો આકાર બૂમરેંગ જેવો છે જે વચ્ચેથી વળેલો છે. ઓબ્ઝર્વેશન ડેકને કવર કરવા માટે જે કાચનો ઉપયોગ કરાયો છે તે 86 માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તો પણ સહન કરી શકશે. જો કાચમાં તિરાડ પડશે તો તૂટીને પડશે નહીં કારણકે લેમિનેટ કરેલો છે.

1518.37 કરોડના ખર્ચે બન્યો

યમુના નદી પર બનેલા આ બ્રિજની ઊંચાઈ કુતુબ મીનાર કરતાં બમણી છે. લંબાઈ 700 મીટર અને પહોળાઈ 35.2 મીટર (4+4 લેન). બ્રિજ પર 19 સ્ટે કેબલ્સ છે. બ્રિજ પરના પાયલોનની ઊંચાઈ 154 મીટર છે અહીંથી દિલ્હીનો ટોપ વ્યૂ દેખાશે. આ બ્રિજ બનાવવામાં 1518.37 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. 13 વર્ષ પહેલા યોજના બનાવાઈ હતી. આ બ્રિજ પર અનેક સેલ્ફી પોઈન્ટ આપવામાં આવ્યા છે. 50 લોકોને સમવાવાની ક્ષમતા ધરાવતી 4 લિફ્ટ છે.

(12:00 am IST)