Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

દિલ્હીની કેન્દ્રીય વિદ્યાલયના વૉશરૂમમાં 11 વર્ષની એક વિદ્યાર્થીની પર બે વિદ્યાર્થિઓએ ગેંગરેપ કર્યો

દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસ અને સ્કૂલના પ્રિન્સિપાલને નોટિસ પાઠવી

નવી દિલ્હી : દિલ્હીની એક કેન્દ્રીય વિદ્યાલયના વૉશરૂમમાં 11 વર્ષની એક વિદ્યાર્થીની પર બે સીનિયર વિદ્યાર્થિઓએ કથિત રીતે ગેંગરેપ કર્યો હતો, જેના પગલે કેસ નોંધવામાં આવ્યો છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના પ્રાદેશિક કાર્યાલયે પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. કથિત ઘટના જુલાઈમાં બની હતી, પરંતુ દિલ્હી મહિલા આયોગ (DCW) દ્વારા મામલો પ્રકાશમાં આવ્યા બાદ પીડિતાએ મંગળવારે પોલીસનો સંપર્ક કર્યો હતો.

આ મામલાને ગંભીરતાથી લેતા દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસ અને સ્કૂલના પ્રિન્સિપાલને નોટિસ પાઠવી છે. શાળાના સત્તાવાળાઓને કહેવામાં આવ્યું છે કે તેઓએ પોલીસને આ ઘટનાની જાણ કેમ ન કરી. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે પીડિતા અથવા તેના માતાપિતા દ્વારા શાળાના આચાર્યને ઘટનાની જાણ કરવામાં આવી ન હતી અને પોલીસ તપાસ પછી જ આ ઘટના પ્રકાશમાં આવી હતી.

KVS એ શિક્ષણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે અને તે દેશના 25 પ્રદેશોમાં ફેલાયેલા 1,200 કરતાં વધુ KVsનું ધ્યાન રાખે છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાએ મંગળવારે ફરિયાદ નોંધાવી અને તરત જ કેસ નોંધવામાં આવ્યો. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું, “અમને દિલ્હીની એક શાળામાં 11 વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કારનો ખૂબ જ ગંભીર મામલો મળ્યો છે. છોકરીએ આરોપ લગાવ્યો છે કે તેની શાળાના શિક્ષકે આ બાબતને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. તે ખૂબ જ ગંભીર છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે રાજધાનીની શાળાઓ પણ બાળકો માટે અસુરક્ષિત છે.’ માલીવાલે કહ્યું કે, “આ મુદ્દે શાળા સત્તાવાળાઓની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ.

 

કમિશનના જણાવ્યા અનુસાર, સગીરનો આરોપ છે કે જુલાઈમાં જ્યારે તે તેના ક્લાસમાં જઈ રહી હતી, ત્યારે તે સ્કૂલના 11મા અને 12મા ધોરણમાં ભણતા બે છોકરાઓ સાથે અથડાઈ હતી. તેણીએ કહ્યું, “તેણે છોકરાઓની માફી માંગી, પરંતુ તેઓએ તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને તેને એક વૉશરૂમની અંદર લઈ ગયા. તેણે આરોપ લગાવ્યો કે છોકરાઓએ વૉશરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને તેના પર બળાત્કાર કર્યો. સગીરે કહ્યું, જ્યારે તેણે શિક્ષકને આ ઘટના વિશે જાણ કરી ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે છોકરાઓને હાંકી કાઢવામાં આવ્યા છે અને મામલો દબાવી દેવામાં આવ્યો હતો.”

KVS અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલે શાળા સત્તાવાળાઓ દ્વારા કોઈ ફરિયાદ મળી નથી. KVSના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “KVSની પ્રાદેશિક કચેરી આ મામલાની તપાસ કરી રહી છે. આ ઘટનાની જાણ છોકરી કે તેના માતા-પિતા દ્વારા કરવામાં આવી ન હતી. ઘટના પછી યોજાયેલી પેરેન્ટ્સ-ટીચર મીટિંગમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો.” અધિકારીએ કહ્યું, “પોલીસ તપાસ પછી જ આ મામલો અમારા ધ્યાન પર આવ્યો છે. અમે દિલ્હી પોલીસની કાર્યવાહીમાં સહકાર આપી રહ્યા છીએ.” પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું કે પીડિતાના નિવેદનના આધારે શિક્ષકો અને શંકાસ્પદ વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ડીસીડબ્લ્યુએ આ ઘટના અંગે પોલીસ પાસેથી કાર્યવાહીનો અહેવાલ માંગ્યો છે.

(11:56 pm IST)