Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

રેલયાત્રા થશે મોંઘી : ૧૩૦ ટ્રેનોને સુપર ફાસ્‍ટ બનાવીને ભાડું વધારાયુ

ટ્રેનોમાંᅠખાણીપીણી, યાત્રીᅠસુરક્ષા અથવા સુવિધાઓમાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં : ઓછા અંતરવાળીᅠટ્રેનોને પણ મેઈલ-એક્‍સપ્રેસનોᅠદરજ્જો

નવી દિલ્‍હી તા. ૬ : રેલ્‍વેએ દેશભરની ૧૩૦ મેલ-એક્‍સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્‍ટનો દરજ્જો આપીને તમામ વર્ગોના ભાડામાં વધારો કર્યો છે. આ અંતર્ગત ટ્રેનના એસી-૧ અને એક્‍ઝિક્‍યુટિવ ક્‍લાસમાં ૭૫ રૂપિયા પ્રતિ પેસેન્‍જર, એસી-૨, ૩, ચેર કારમાં ૪૫ રૂપિયા અને સ્‍લીપર ક્‍લાસમાં ૩૦ રૂપિયા પ્રતિ પેસેન્‍જરનો વધારો કરવામાં આવ્‍યો છે.ᅠ આ પ્રકારે PNR (છ પેસેન્‍જર) બુક કરાવવા માટે મુસાફરોએ એસી-૧માં રૂ. ૪૫૦, એસી-૨માં રૂ. ૨૭૦, ૩ અને સ્‍લીપરમાં રૂ. ૧૮૦ વધારાના ચૂકવવા પડશે. આ વ્‍યવસ્‍થા ૧ ઓક્‍ટોબરથી લાગુ કરવામાં આવી છે.જોકે, આ તમામ ટ્રેનોમાં કેટરિંગ, પેસેન્‍જર સુરક્ષા કે સુવિધાઓમાં કોઈ વધારો કરવામાં આવ્‍યો નથી. રેલવેએ આ વસ્‍તુ પર એક પણ પૈસો ખર્ચ્‍યા વિના તમામ વર્ગોમાં ભાડું વધાર્યું છે. રેલ્‍વે નિયમો અનુસાર, સરેરાશ ૫૬ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનોને ટાઇમ ટેબલમાં સુપરફાસ્‍ટનો દરજ્જો આપવામાં આવ્‍યો છે.

નિષ્‍ણાતોનું કહેવું છે કે ભારતીય રેલ્‍વે ૪૫ વર્ષથી ટ્રેનોની સરેરાશ ઝડપ વધારવામાં નિષ્‍ફળ રહી છે. આમાં ચાર દાયકાથી મેલ-એક્‍સપ્રેસ ટ્રેનોની સરેરાશ સ્‍પીડ ૫૦ થી ૫૮ કિમીᅠ છે, જયારે રેલ્‍વેની પ્રીમિયમ રાજધાની, શતાબ્‍દી, દુરંતો ટ્રેનો વગેરેની સરેરાશ સ્‍પીડ ૭૦-૮૫ કિમીᅠછે. ૧૫-૨૦% ટ્રેનો ક્‍યારેય તેમના ગંતવ્‍ય પર સમયસર પહોંચતી નથી. ૬૦% ટ્રેનો ૧૫-૨૦ મિનિટ મોડી પહોંચે છે.નવા રેલવે ટાઈમ ટેબલ ૨૦૨૨-૨૩માં મોટી સંખ્‍યામાં પેસેન્‍જર ટ્રેનોને મેલ-એક્‍સપ્રેસનો દરજ્જો આપવામાં આવ્‍યો છે. આનો સીધો અર્થ એ છે કે આ ટ્રેનોમાં રોજના લાખો મુસાફરો મુસાફરી કરી શકશે નહીં, કારણ કે વધેલું ભાડું માર્ગમાં આવશે. ટિકિટ વિના મુસાફરી કરવા પર, ભાડું અને દંડ બંને વસૂલવામાં આવશે. આ સિવાય મેલ-એક્‍સપ્રેસ ટ્રેનોમાં બેઝિક ભાડા ઉપરાંત રિઝર્વેશન ચાર્જ, સુપરફાસ્‍ટ ચાર્જ સહિત જીએસટી વસૂલવામાં આવે છે.ઉદાહરણ તરીકે ટાઈમ ટેબલ ૨૦૨૨-૨૩માં દિલ્‍હી-ભટિંડા (ટ્રેન નંબર ૨૦૪૦૯) પેસેન્‍જર ટ્રેનને મેલ-એક્‍સપ્રેસનો દરજ્જો આપવામાં આવ્‍યો છે. તેનું અંતર ૨૯૮ કિમી છે, જયારે રેલ નિયમો કહે છે કે પેસેન્‍જર ટ્રેન ૩૨૫ કિમી સુધી ચાલે છે. આ ટ્રેનને સુપરફાસ્‍ટનો દરજ્જો પણ આપવામાં આવ્‍યો છે. દિલ્‍હી-સહારનપુર (ટ્રેન નંબર ૨૦૪૧૧)ને પેસેન્‍જરને મેલ-એક્‍સપ્રેસનો દરજ્જો આપવામાં આવે છે, જયારે દિલ્‍હી-સહારનપુરનું અંતર ૧૮૧ કિલોમીટર છે.

 નવા ટાઈમ ટેબલમાં મેરઠ-શ્રીગંગા નગર વાયા દિલ્‍હી (નંબર ૧૪૦૩૦) ટ્રેન ચલાવવામાં આવી છે. ટ્રેનના ૫૮૮ કિમીના અંતરમાં ૮૪ સ્‍ટોપેજ છે. પ્રથમ સ્‍ટોપ મેરઠ રેલ્‍વે સ્‍ટેશન પછી ૪ કિમી દૂર પરતાપુર સ્‍ટેશન પર છે. આ કારણે ટ્રેનને ૫૮૮ કિમીનું અંતર કાપવામાં ૧૭ કલાક વધુ સમય લાગે છે. તેની સરેરાશ ઝડપ ૩૫ કિલોમીટર પ્રતિ કલાક રહે છે.

(10:45 am IST)