Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

શરીફના જન્‍મદિવસે પાકિસ્‍તાન જનાર લોકો અમને હિંદુત્‍વ ના શીખવાડે : ઉધ્‍ધવ ઠાકરે

એકનાથ શિંદે પર પ્રહાર : જે કાવતરૂં કરે છે તે જ કટપ્‍પા છે : બધા રોજગાર ગુજરાત જઇ રહ્યા છે :‘પુષ્‍પા કહે છે કે ઝુકેગા નહીં સાલા યે લોગ હૈ કી ઉઠેગા નહીં સાલા'

મુંબઇ,તા. ૬ : શિવાજી પાર્કમાં આયોજીત દશેરા રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે નવાઝ શરીફના જન્‍મ દિવસ પર બોલાવ્‍યા ન હોવા છતાં પાકિસ્‍તાન જનારા અમને હિંદુત્‍વ શીખવાડશે? તેમણે કહ્યું હતું કે હિંદુત્‍વ પર તો હું બોલીશ જ, પરંતુ મોંઘવારી પર પણ બોલીશ. શ્રીરામ અમારા હ્રદયમાં છે. કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહાર કરતાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્‍યું હતું કે અમિત શાહ મને જમીન દેખાડવાની વાત કરી રહ્યા છે. પાકિસ્‍તાન ઓક્‍યુપાઈડ કાશ્‍મીરની જમીન લઈને દેકાડે. ચીન જયાં કબજો કરી રહ્યું છે તે જમીન લઈને દેખાડે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, બધા રોજગાર ગુજરાત જઈ રહ્યા છે. ‘પુષ્‍પા કહે છે કે ઝુકેગા નહીં સાલા. યે લોગ હૈ કી ઉઠેગા નહીં સાલા.' આમની સરકારને ૧૦૦ દિવસ પૂરા થઈ રહ્યા છે. ૧૦૦ દિવસમાં કેટલી વખત દિલ્‍હી ગયા છે? કહે છે કે હિંદુત્‍વ છોડી દીધું છે. હિંદુત્‍વ શું છે? ચાલો, આ અંગે ચર્ચા કરી લઈએ. ફક્‍ત માળા ફેરવવાથી હિંદુ નથી થઈ જવાતું. શિવસેનાના પ્રમુખે કહ્યું હતું કે જે દેશપ્રેમી છે તે મુસ્‍લિમ પણ છે તો પણ આપણો છે. મારો સ્‍પષ્ટ મત છે કે દેશમાં હવે લોકશાહી બચશે જ નહીં તે સવાલ થઈ રહ્યો છે. એક પાર્ટીનો મતલબ સરમુખત્‍યારશાહી. શું તમે તેના માટે તૈયાર છો?

એકનાથ શિંદે પર પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જે કાવતરું કરે છે તે જ કટપ્‍પા છે. ઠાકરેએ તે પણ કહ્યું કે હજી ડોક્‍ટરોએ મને નમવાની મંજૂરી આપી નથી પરંતુ હું જનતા સામે નતમસ્‍તક થયા વગર રહી શકતો નથી. કહેવામાં આવી રહ્યું હતું કે શિવસેનાનું શું થશે? અહીં ઉમટેલી ભીડ જોઈને હવે સવાલ એ છે કે ગદ્દારોનું શું થશે? તમામ એકનિષ્ઠ જમા થયા છે. પ્રત્‍યેક વર્ષની જેમ આ વખતે પણ રાવણ દહન થશે. પરંતુ આ વખતે રાવણ અલગ છે. આ ખોખા સુર છે, ધોખા સુર છે.

(10:41 am IST)