Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

કેરળ : ૧૪ વર્ષમાં પરિવારના છ સભ્યની હત્યા કરનાર જબ્બે

સાઈનાઇડ આપીને એક પછી એક હત્યાઓ કરી : હત્યાની કબૂલાત ઝડપાયેલી મહિલાએ કરતા સનસનાટી

કોઝીકોડ,તા.૬ :કેરળના કોઝીકોડ જિલ્લાની પોલીસે એક જ પરિવાર છ સભ્યોની હત્યાનું એક સનસનાટીપૂર્ણ મામલાનો ખુલાસો કર્યો છે. સમગ્ર મામલામાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે આ મામલામાં ઉંડી તપાસ કરતા નવી ચોંકાવનારી વિગતો ખુલી છે. ૧૪ વર્ષના લાંબાગાળા બાદ મુખ્ય આરોપી મહિલા જાલી અમ્મા જોસેફે સાઈનાઇડ આપીને પોતાના પરિવારના છ સભ્યની હત્યા કરી દીધી હતી. પોલીસનું કહેવું છે કે, જાલી અમ્મા નામની આ મહિલાએ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે. ત્રણેયને હાલમાં માત્ર જાલીના પતિ રોય થોમસની હત્યાના આરોપમાં પકડી લેવામાં આવી છે. અન્ય છ હત્યાના મામલામાં તેની સામે પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જાલી ઉપરાંત ધરપકડ કરવામાં આવેલા અન્ય બે આરોપીઓમાં મેથ્યુ અને પ્રાજીકુમારનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓએ જાલીને સાઇનાઇડની દવા ઉપલબ્ધ કરાવી હતી.

             કોઝીકોડે જિલ્લાના ગ્રામિણ વિસ્તારના પ્રભારી કેજી સાયમનના કહેવા મુજબ રોયના મોત બાદ તેમના મૃતદેહનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન તેમના શરીરમાં સાઈનાઇડનો જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ અન્ય આરોપીઓની સામે પણ પાંચ હત્યા અને અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવનાર છે. ખુબ ઓછા લોકો જાણે છે કે, ૨૦૧૧માં રોય થોમસનું મોત થયું હતું. ત્યારબાદથી સમગ્ર મામલામાં પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા હતા. કેરળમાં ૧૪ વર્ષમાં પોતાના પરિવારના છ લોકોની સાઈનાઇડ આપીને હત્યા કરનાર મહિલાની ધરપકડ કરી લેવામાં આવ્યા બાદ હવે વધુ ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી શકે છે. સમગ્ર કેરળમાં આ વિષયની ચર્ચા જોવા મળી રહી છે.

(8:15 pm IST)