Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

હરિયાણામાં કોંગ્રેસને મોટો ફટકો : અશોક તંવરે પક્ષ છોડી દીધો

રાહુલના નજીકના લોકો સામે કાવતરા ઘડાયા : આધાર નહીં ધરાવતા લોકો તમામ નિર્ણયો કરી રહ્યા છે

ચંદીગઢ, તા. ૫ : હરિયાણા વિધાનસભાની ૂચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને આજે મોટો ફટકો પડ્યો હતો. પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અશોક તંવરે પાર્ટી સાથે છેડો ફાડવાની જાહેરાત કરી દીધી છે. પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપી દીધું છે. તંવર કેટલીક વહેંચણીને લઇને પાર્ટીથી નાખુશ દેખાઈ રહ્યા હતા. પ્રદેશ નેતૃત્વ પર વિધાનસભા ચૂંટણીને લઇને ટિકિટ વેચવાનો આક્ષેપ કર્યો હતો. આજે ટ્વિટ કરીને તંવરે કહ્યું હુતં કે, કોંગ્રેસ પાર્ટીમાં ભારે વિખવાદની સ્થિતિ રહેલી છે. પાર્ટી કાર્યકરો સાથે લાંબા સમયથી વાતચીત કર્યા બાદ તેઓએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપી દીધું છે. તેમના રાજીનામાનું કારણ કોંગ્રેસી નેતાઓ અને પ્રજા સારી રીતે જાણે છે. તંવરે કહ્યું હતું કે, પાર્ટીના જૂના નેતાઓને નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે. નવા લોકોને ટિકિટ આપવામાં આવી રહી છે.

            તંવરે એવો આક્ષેપ કર્યો હતો કે, સોહના વિધાનસભાની ટિકિટ પાંચ કરોડ રૂપિયામાં વેચવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવારોની યાદી જારી થતાં પહેલા જ તંવરે આક્રમક વલણ અપનાવ્યું હતું અને બુધવારના દિવસે દિલ્હી કોંગ્રેસ ઓફિસ પર દેખાવો કર્યા હતા. પાંચ વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી માટે ખુબ મહેનત કરવામાં આવી હતી. પાર્ટીના સમર્પિત નેતાઓને પણ ટિકિટ આપવામાં આવી રહી નથી. જે લોકો પહેલા કોંગ્રેસ પાર્ટીની ટિકા કરતા હતા તે લોકો જ પાર્ટીમાં સામેલ થઇ ગયા છે અને તેમને ટિકિટ મળી રહી છે. હરિયાણામાં ભાજપ સરકાર બની ન હતી પરંતુ બનાવી દેવામાં આવી હતી.

આજે ભાજપના ૧૪ ધારાસભ્યો એવા છે જેમને કોંગ્રેસે કાઢી મુક્યા હતા. સાત એવા સાંસદ છે જેમના બેકગ્રાઉન્ડ કોંગ્રેસના રહ્યા છે. તંવરે દાવો કર્યો હતો કે, ભાજપે તેમને છ વખત ઓફર કરી હતી પરંતુ સ્વીકારી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, પાર્ટીની અંદર એવા લોકોની સામે કાવતરા ઘડાઈ રહ્યા છે જે રાહુલ ગાંધીની નજીક છે. અશોક તંવરે કહ્યું હતું કે, એવા લોકો નિર્ણય લઇ રહ્યા છે જે લોકો જમીન સાથે જોડાયેલા નથી.

(12:00 am IST)