Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

સ્થાનિક ચૂંટણીમાં ભાજપને ટેકો આપવા એનસી તૈયાર

એનસી, પીડીપી પાસે સક્ષમ સભ્યો જ નથી : મોટા નેતાઓને નજરકેદ હેઠળ મુકી દેવાતા કોઇ જ વિકલ્પો ન રહેતા ભાજપને ટેકો આપવા માટેનો સંકેત અપાયો છે

શ્રીનગર, તા. ૫ : જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણીને ધ્યાનમાં લઇને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ૩૧૦ બ્લોક વિકાસ પરિષદમાં અધ્યક્ષની ચૂંટણી માટે જાહેરનામુ જારી કરવામાં આવી ચુક્યું છે. ૨૪મી ઓક્ટોબરના દિવસે ચૂંટણી યોજાશે. રાજ્યપાલે સંકેત આપ્યો છે કે, જમ્મુ બાદ કાશ્મીરમાં નેતાઓની નજરકેદ હેઠળની અવધિને પૂર્ણ કરવામાં આવી શકે છે. બીડીસીની ચૂંટણીને લઇને પણ ઉત્સુકતા પ્રવર્તી રહી છે. સ્થાનિક ચૂંટણીમાં પોતાના મજબૂત દાવેદાર નહીં હોવાથી નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના પંચાયત સભ્યો ભાજપને ટેકો આપવા માટેની તૈયારી કરી રહ્યા છે. બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણી માટે કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ શકે છે. કારણ કે તેમના વરિષ્ઠ નેતાઓ નજરકેદ હેઠળ છે. વિકાસની આ પ્રક્રિયામાં સામેલ થવા માટે તેમની પાસે કોઇ વિકલ્પ નહીં હોવાની વાત આ નેતાઓ દ્વારા કરવામાં આવી છે.  બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીમાં ક્ષેત્રીય પક્ષોની ઉપસ્થિતિ દેખાઈ રહી નથી. તેમના પાર્ટીના નેતાઓની ગેરહાજરી દેખાયા બાદ ભાજપને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે. નિચલા સ્તર પર પોતાના પ્રભુત્વને જાળવી રાખવા માટે ભાજપને ટેકો આપવા આ પક્ષો તૈયાર થઇ રહ્યા છે. નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને કોંગ્રેસના ઘણા સભ્યો પહેલાથી જ ભાજપમાં સામેલ થઇ ચુક્યા છે જ્યારે કેટલાક સામેલ થવાનો નિર્ણય કરી ચુક્યા છે. બીડીસીના અધ્યક્ષ પદ માટે તેમના ઉમેદવાર અને ભાજપને ટેકો આપવાનો નિર્ણય કરાયો છે.

           બીડીસીની ચૂંટણી પાર્ટી આધાર પર યોજાનાર છે. નેશનલ કોન્ફરન્સ, પીડીપી, કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો યોગ્ય ઉમેદવારને શોધી શક્યા નથી. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી બાદથી મોટાભાગના વરિષ્ઠ નેતાઓને નજરકેદ હેઠળ પકડી લેવામાં આવ્યા છે. પાર્ટી લીડરશીપ હાલમાં બીડીસીની ચૂંટણીમાં ભાજપની સાથે દેખાઈ રહ્યા છે. ઉમેદવારી દાખલ કરવાની અંતિમ તારીખ ૯મી ઓક્ટોબર રાખવામાં આવી છે. ભાજપના ઉમેદવાર આશાવાદી દેખાઈ રહ્યા છે. રાજકીય પક્ષોમાં ખેંચતાણના લીધે ભાજપને સીધો ફાયદો થઇ રહ્યો છે. બીજી બાજુ બીડીસી ચેરમેન માટેના ઉમેદવાર અને સોપિયનમાંથી સરપંચ એકે પંડિતાનું કહેવું છે કે, અમે બીડીસી ચેયરપર્સનની ૬૦ ટકા સીટો જીતી જવાના છીએ. ભાજપના જ અન્ય એક સરપંચ નિસાર અહેમદ ભટ્ટનું કહેવું છે કે, પાર્ટી મજબૂત સ્થિતિમાં છે.દિલ્હીમાં અમિત શાહને મળ્યા હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યના વિકાસ માટે એકમાત્ર ભારતીય જનતા પાર્ટી જ મજબૂત સ્થિતિમાં છે. સ્થાનિક ચૂંટણીને લઇને ઉત્સુકતા પ્રવર્તી રહી છે.

(12:00 am IST)