Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

હરિયાણા : ઘણા અસંતુષ્ટના લીધે ભાજપ-કોંગ્રેસની ચિંતામાં વધારો

ટિકિટ નહીં મળતા અસંતુષ્ટોએ બળવાનું રણશિંગુ ફુંકી દીધું : ભાજપે ૪૮ પૈકીના ૧૨ સભ્યોને ટિકિટ ન આપી : ટિકિટ ન મળતા અસંતુષ્ટો અપક્ષ તરીકે ચૂંટણીમાં ઉતરવા સુસજ્જ : કોંગીમાં આંતરિક વિખવાદ યથાવત

ચંદીગઢ,તા. ૫ : હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે અસંતુષ્ટોને લઇને ભાજપ અને કોંગ્રેસની ઉંઘ હરામ થઇ ગઇ છે. ચંદીગઢથી પ્રાપ્ત અહેવાલ મુજબ હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસ માટે અસંતુષ્ટોએ ઉંઘ હરામ કરી દીધી છે. ગુડગાંવ, રેવાડી, રાનિયા બેઠક ઉપર ઉપેક્ષિત ધારાસભ્યો દ્વારા બળવો કરી દેવમાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ વર્તમાન ૪૮ ધારાસભ્યોમાંથી ૧૨ ધારાસભ્યોને ટિકિટ આપી નથી જેના કારણે તેમનામાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી આડે થોડાક દિવસ રહ્યા છે ત્યારે બંને પાર્ટીઓ માટે અસંતોષનું મોજુ માથાના દુખાવા સમાન છે. કારણ કેટલાક લોકો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરી ચુક્યા છે. ટિકિટ નહીં મળવાના કારણે બંને પક્ષોને કેટલાક નેતાઓના અસંતોષનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં આને લઇને વધુ જટિલ સમસ્યા ઉભી થઇ શકે છે. હરિયાણામાં ૨૧મી ઓક્ટોબરના દિવસે મતદાન થનાર છે.

            શુક્રવારના દિવસે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ પૂર્ણ થઇ ચુકી છે. ટિકિટ નહીં મળવાને લઇને નારાજ રહેલા રેવાડીમાંથી ભાજપના વર્તમાન ધારાસભ્ય રણધીર કાપડીવાસે કહ્યું છે કે, તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરશે. ગુડગાંવમાંથી ભાજપના વર્તમાન ધારાસભ્ય ઉમેશ અગ્રવાલે આ ક્ષેત્રમાંથી પોતાના પત્નિ અનિતાને ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા છે. પૂર્વ નાયબ વડાપ્રધાન દેવીલાલના પુત્ર અને કોંગ્રેસ નેતા રણજીતસિંહ ચૌટાલા પાર્ટીમાંથી ટિકિટ ન મળતા રાનિયા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં આવી ગયા છે. કેટલીક અન્ય સીટો પણ છે જ્યાં બંને પક્ષોના અસંતુષ્ટો મેદાનમાં ઉતર્યા નથી પરંતુ તેમની મૂળ પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તેમની સામે બળવો કરી ચુક્યા છે. ભાજપે વર્તમાન ૪૮માંથી ૧૨ ધારાસભ્યોની ટિકિટ કાપી દીધી છે. કાપડીવાસનું કહેવું છે કે, જ્યારે બહારના લોકોને ટિકિટ આપવામાં આવી છે તેમના સમર્થકો  નાખુશ દેખાઈ રહ્યા છે.

            આજ કારણસર તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસમાં પણ ખેંચતાણ ચરમસીમા પર પહોંચી ચુકી છે. હરિયાણાની ચૂંટણી બંને પાર્ટીઓ માટે ખુબ મહત્વપૂર્ણ છે. ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૪૭ સીટો જીતી હતી. આ વર્ષે યોજાયેલી જિંદ પેટાચૂંટણી જીત્યા બાદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા વધીને ૪૮ થઇ ગઇ હતી. આ વખતે પાર્ટીએ ૭૫ સીટો જીતવા માટે લક્ષ્ય રાખ્યું છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના ૧૭ ધારાસભ્ય છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ઉપરાંત પાર્ટી સામે ઇન્ડિયન નેશનલ લોકદળ, શિરોમણી અકાળી દળ, જનનાયક જનતા પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી, સ્વરાજ ઇન્ડિયા પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે.

(12:00 am IST)