Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

વોશિંગ્ટનમાં જૈનોમાં ઉત્સાહનો માહોલ :પ્રથમ શિખરબંધી જૈન દેરાસરનો શિલાન્યાસ મહોત્સવ:તડામાર તૈયારીઓ

51 ફૂટ ઊંચુ, 93 ફૂટ પહોળુ, અને 105 ફૂટની લંબાઇ ધરાવતા દેરાસરના ગર્ભગૃહમાં મૂળનાયક તરીકે 51 ઇંચની પાર્શ્વનાથજીની પ્રતિમાની સ્થાપના કરાશે. : ગર્ભગૃહની ફરતે 24 જિનાલયની સંરચના : 24 હજાર ચોરસફૂટનું કોમ્યુનિટી સેન્ટરનું થશે નિર્માણ

અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં પ્રથમ શિખરબંધી જૈન દેરાસરનો શિલાન્યાસ મહોત્સવ યોજાશે. છેલ્લા એક દાયકાથી જેની રાહ જોવાઇ રહી હતી તેનું સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યુ છે

   વોશિંગ્ટનમાં 700 જેટલા જૈન પરિવારો રહે છે. 1980માં ત્યાં જૈન સંઘની સ્થાપના કરવામાં આવી હતી. 2011માં આ સંઘ દ્વારા મેરીલેન્ડ વોશિંગ્ટનમાં શ્વેતાંબર અને દિગંબર શિખરબંધી દેરાસર તેમજ કોમ્યુનિટી સેન્ટર માટે જગ્યા ખરીદવામાં આવી હતી. આ પરિસરમાં છ હજાર ચોરસફૂટના શિખરબંધી જૈન દેરાસર સાથે સાથે ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિ માટે ચોવીસ હજાર ચોરસફૂટના કોમ્યુનિટી સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે.

   વોશિંગ્ટનની સંસ્થાના પ્રમુખ શરદ દોશી અને પ્રોજેક્ટ ચેરમેન અરવિંદ શાહના કહેવા પ્રમાણે આ જૈન મંદીર વિશ્વભરમાં જૈન ધર્મની સુવાસ ફેલાવશે. આ દેરાસર સ્થાપત્યશૈલીનો ઉત્તમ નમૂનો સાબિત થશે. આના માટે વિશ્વભરના જૈન શ્રાવકો યોગદાન આપશે. બાંધકામનો તમામ ખર્ચ સ્વૈચ્છિક દાન થકી કરવામાં આવશે. વિશ્વભરમાં જૈન દેરાસરો પ્રસ્થાપિત કરનાર શિલ્પી રાજેશ સોમપુરાના કહેવા પ્રમાણે સફેદ આરસપહાણમાંથી આ દેરાસર નિર્માણ પામશે. દેરાસર 51 ફૂટ ઊંચુ, 93 ફૂટ પહોળુ, અને 105 ફૂટની લંબાઇ ધરાવતું હશે.

રાણકપુરની વિશાળતા અને પાલીતાણાના જિનાલયોની દિવ્યતા અને દેલવાડાની કલાત્મકતાનો આ દેરાસરમાં સમન્વય હશે. 5000થી વધુ સંગેમરમરને રાજસ્થાન અને ગુજરાતના જૈન ધર્મના પરંપરાગત શિલ્પકારો કંડારશે. દેરાસરના ગર્ભગૃહમાં મૂળનાયક તરીકે 51 ઇંચની પાર્શ્વનાથજીની પ્રતિમાની સ્થાપના કરાશે. તેમજ ગર્ભગૃહની ફરતે 24 જિનાલયની સંરચના કરવામાં આવશે. એક દાયકાથી જેની પ્રતિક્ષા થઇ રહી હતી તે દિવસ છ ઓક્ટોબરે આવતા વોશિંગ્ટનના જૈનોમાં ઉત્સાહનો માહોલ છે.

(12:00 am IST)