Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

ભુસ્તરશાસ્‍ત્રીઓએ પૃથ્વી ઉપર ૧૪ કરોડ વર્ષ પહેલા અસ્તિત્વ ધરાવતા એક આખા ખંડને શોધી કાઢ્યો

નવી દિલ્હીઃ ભૂસ્તરશાસ્ત્રીઓએ પૃથ્વી પર 14 કરોડ વર્ષ પહેલા અસ્તિત્વ ધરાવતા એક આખા ખંડ(Continent)ને શોધી કાઢ્યો છે. ખંડ પૃથ્વીના ભૂમધ્ય વિસ્તારના(Mediterranean Region) તળિયામાં દટાયેલો છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ સ્પેનથી માંડીને ઈરાન સુધી વિસ્તરેલી પર્વતમાળાઓનો 10 વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી તારણ કાઢ્યું છે.

નેધરલેન્ડ્સની યુટ્રેચ્ટ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલો અભ્યાસ 'ગોંડવાના રિસર્ચ' જર્નલમાં પ્રકાશિત થયો છે. રિપોર્ટમાં લખ્યું છે કે, "'ગ્રેટર આડ્રિયા' નામનો ગ્રીનલેન્ડ સાઈઝનો એક આખો ઉપખંડ 24 કરોડ વર્ષ પહેલાં ઉત્તર આફ્રિકામાંથી ટ્રેઈઝિક યુગ દરમિયાન છૂટો પડ્યો હતો. જોકે, અહીં માનવ વસાહત આવે તે પહેલાં પૃથ્વીની પ્લેટમાં થયેલી મોટી હલચલના કારણે આખો ઉપખંડ યુરોપની પ્લેટના નીચે દટાઈ ગયો હતો."

નેધરલેન્ડ્સની યુટ્રેચ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર ડોઉવે વેન હિન્સબર્જને લખ્યું છે કે, "અમે જેટલી પણ પર્વતમાળાઓનો વિસ્તૃત અભ્યાસ કર્યો છે તે તમામ એકમાત્ર ખંડ ઉત્તર આફ્રિકામાંથી 20થી 24 કરોડ વર્ષ પહેલાં છૂટી પડી હતી. ખંડનો અત્યારે જે એકમાત્ર ભાગ બચ્યો છે તે તુરીન થઈને એડ્રિઆટિક સમુદ્ર માર્ગે પર્વતમાળાઓ સુધી પહોંચે છે, જે અત્યારે ઈટાલી છે. ભૂમધ્ય વિસ્તાર ભૌગોલિક દૃષ્ટિએ પૃથ્વીનો સૌથી જટીલ વિસ્તાર છે. ટેક્ટોનિક પ્લેટના અભ્યાસમાં સમુદ્રો અને ઉપખંડોનું સર્જન કેવી રીતે થયું તે જાણવા મળે છે."

પ્રોફેસર હિન્સબર્જન વધુમાં લખે છે કે, "એટલાન્ટિસને ભુલી જાઓ. એટલાન્ટિસની જેમ ગ્રેટર આડ્રિયાનો પણ મોટોભાગ સમુદ્રની નીચે છે અને તે કોરલ રીફનો બનેલો છે. ગ્રેટર આડ્રિયાએ 13થી 10 કરોડ વર્ષ પહેલાં યુરોપના નીચે સરકવાનું શરૂ કર્યું હતું અને ધીમે-ધીમે તે દટાઈ ગયો હતો."

વૈજ્ઞાનિકોએ અભ્યાસ માટે 'જીપ્લેટ્સ' નામના ડિજિટલ ઈમેજિંગ ટૂલનો ઉપયોગ કર્યો હતો. જેના દ્વારા તેમણે 24 કરોડ વર્ષ પહેલાં ટ્રેઈઝિક યુગ દરમિયાનની ટેક્ટોનિક પ્લેટ્સની હલચલનો અભ્યાસ કર્યો હતો. તેમણે ભૌગૌલિક સ્થિતિના આધારે એક વિસ્તૃત તસવીર તૈયાર કરી હતી, જેના આધારે તેઓ ગ્રેટર આડ્રિયાનું લોકેશન શોધી શક્યા હતા. માટે તેમણે સિસ્મિક વેવ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. ટેક્નોલોજી દ્વારા તેમણે જાણ્યું કે, ગ્રેટર આડ્રિયા પૃથ્વીની સપાટીથી 932 માઈલ ઊંડે દટાયેલો છે.

ગ્રેટર આડ્રિયાએ પ્રથમ ઉપખંડ નથી જેને ભૂસ્તરશાસ્ત્રીઓએ શોધી કાઢ્યો હોય. અગાઉ 2017માં સંશોધકોએ મોરેશિયસના નીચે પ્રાચીન એક સુપર કન્ટિનન્ટ શોધી કાઢ્યો હતો, જે ભારતીય સમુદ્રના નીચે દટાયેલો છે.

(12:00 am IST)