Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

હદ કરી નાગપુર પોલીસે

આલેલે... પોલીસે લાંચમાં પૈસા માંગવાને બદલે ૩ રૂપજીવિની માંગીઃ મળ્યું સસ્પેન્શન

નાગપુર, તા.૬: ગુનેગારોની કથિત તરફેણના બદલામાં પોલીસ દ્વારા રૂપિયા સ્વીકારવાની વાતો અનેક વાર પ્રકાશમાં આવી છે, પરંતુ નાગપુરના કેટલાક પોલીસ કર્મચારીઓએ તો લાંચ માગવામાં હદ વટાવી દીધી હોય તેમ લાગે છે. સેકસ રેકેટ ચલાવનારી મહિલાનાં કરતૂત સામે આંખ આડા કાન કરવા માટે લાંચ સ્વરૂપે ત્રણ રૂપજીવિની પૂરી પાડવાની માગણી કરનારા બે પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર નાગપુરમાં એક મહિલા દ્વારા સેકસ રેકેટ ચલાવવામાં આવતું હોવાની માહિતી પોલીસની સમાજસેવા શાખાને મળી હતી. માહિતીને આધારે સંબંધિત મહિલા સામે કાર્યવાહી કરી યુવતીઓનો છુટકારો કરાવવાને બદલે પોલીસે તેને આ વ્યવસાય બેરોકટોક ચલાવવા દેવાની છૂટ આપવાનું નક્કી કર્યું હતું.

આ રેકેટ ચલાવનારી મહિલા પાસેથી ૩૫ હજાર રૂપિયાની માગણી કરી ત્રણ રૂપજીવિની પૂરી પાડવાનું પોલીસ કર્મચારીઓએ કહ્યું હતું. આ બાબતની જાણકારી મળતાં નાગપુરના પોલીસ કમિશનરે બન્ને પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા હતા.

ઉપરાંત, સમાજસેવા શાખાને બરખાસ્ત કરી તે વિભાગના પોલીસોની કન્ટ્રોલ રૂમમાં બદલી કરી નાખી હતી.

(10:12 am IST)