Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ઐતિહાસિક ક્ષણ : સમગ્ર વિશ્વની નજર

રાત્રે ભારત પહોંચશે ચંદ્ર ઉપર

રાત્રે ૧.૩૦ થી ર.૩૦ વચ્ચે થશે લેન્ડીંગઃ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બનશે ભારતઃ પીએમ મોદી ઇસરો પહોંચી ૭૦ બાળકો સાથે લેન્ડીંગનું લાઇવ પ્રસારણ નિહાળશે

નવી દિલ્હી તા. ૬ :.. જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી તે ઘડી હવે આવી પહોંચી છે. આજે રાત્રે આપણા સપનાનું ચંદ્રયાન ચંદ્ર ઉપર ઉતરાણ કરશે. જે ઐતિહાસિક ક્ષણ હશે. દેશ માટે ચાંદ-રાત હશે. બે દિવસ ચંદ્રની ચારે તરફ અને ૩પ કિ.મી.ની ઉંચાઇએ મંડરાઇ રહેલ ભારતનું ચંદ્રયાન-ટુ ૬ અને ૭ ની રાત્રીએ ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે. સમગ્ર વિશ્વની નજર તેના પર કેન્દ્રીત થશે. ૯૭૮ કરોડની કિંમતનું આ મિશન છે. ૧૪૭૧ કિલોનું લેન્ડર 'વિક્રમ' નું જો સોફટ લેન્ડીંગ સફળ રહયું તો ભારત આવું કરનાર વિશ્વના ૪ દેશોમાં સામેલ થઇ જશે. ચંદ્ર ઉપર અત્યાર સુધી અમેરિકા-રૂસ-ચીન જ પોતાના યાન ઉતારી શકયું છે. જો કે ચંદ્રના દ.ધ્રુવ પર ઉતરનાર ભારત પ્રથમ દેશ બનશે. પીએમ મોદી ઇસરો પહોંચીને ૭૦ બાળકો સાથે સોફટ લેન્ડીંગનું લાઇવ પ્રસારણ નિહાળશે.

ઇસરો (ISRO)ના ચંદ્રયાન-૨ (Chandrayaan-2)ના લેન્ડર 'વિક્રમ' શનિવાર સવારે ચંદ્રની સપાટી પર ઐતિહાસિક સોફટ લેન્ડિંગ કરવા માટે તૈયાર છે. ભારતનું આ બીજું ચંદ્ર મિશન (Mission Moંઁ) તે દક્ષિણ ધ્રુવ પર પ્રકાશ પાડશે જયાં હજુ સુધી કોઈ પણ દેશની નજર નથી ગઈ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi), લગભગ ૭૦ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સાથે ઇસરોના બેંગલુરુ કેન્દ્રમાં તેને લાઇવ જોશે. તેની સાથે અમેરિકન એજન્સી નાસા સહિત તમામ દુનિયાની નજર આ અભિયાન પર ટકેલી છે. લેન્ડર વિક્રમમાં ત્રણથી ચાર કેમેરા અને સેન્સર સહિત તમા એવી ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનાથી તેને કોઈ પણ પ્રકારના નુકસાન નહીં થાય.

ચંદ્ર પર ઉતર્યા બાદ વિક્રમના અંદરથી રોવર પ્રજ્ઞાન બહાર આવશે અને સવારે ૫:૩૦ વાગ્યાથી સાડા ૬ વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર ઉતરશે. પ્રજ્ઞાન રોવર ૧૪ દિવસો સુધી ચંદ્રની સપાટી પર રહીને વૈજ્ઞાનિકોને ચંદ્રની તસવીરો અને ત્યાંની સ્થિતિ વિશે જાણકારી આપતું રહેશે.

૭ સપ્ટેમ્બર એટલે કે આજે રાત્રે ૧:૪૦ વાગ્યે વિક્રમની પાવર સિસ્ટમ એકિટવ થઈ જશે. વિક્રમ ચંદ્રની સપાટીથી બિલકુલ સીધું થઈ જશે. વિક્રમ પોતાના ઓનબોર્ડ કેમેરાથી ચંદ્રની સપાટીની તસવીરો લેવાનું શરૂ કરશે. વિક્રમ પોતાની ખેંચેલી તસવીરોને ધરતીથી લઈને ચંદ્રની સપાટીની બીજી તસવીરો સાથે મેળવવાથી જાણવાનો પ્રયાસ કરશે કે લેન્ડિંગનું યોગ્ય સ્થાન કયું હેશ. ઇસરોના એન્જિનિયરોએ લેન્ડિંગવાળા સ્થળ નિશ્યિત કરી લીધું છે. સમગ્ર પ્રયાસ ચંદ્રયાનને તે સ્થળે ઉતારવાનો હશે. લેન્ડિંગની સપાટી ૧૨ ડિગ્રીથી વધુ ઉબડ-ખાબડ ન હોવી જોઈએ. જેથી યાનમાં કોઈ પ્રકારની ગડબડ ન થાય. એક વાર વિક્રમ લેન્ડિંગના સ્થળની ઓળખ કરી લેશે, ત્યારબાદ સોફટ લોન્ચની તૈયારી થશે. તેમાં લગભગ ૧૫ મિનિટ લાગશે. આ ૧૫ મિનિટ મિશનની સફળતાનો ઈતિહાસ લખશે.

નેશનલ જિઓગ્રાફીએ મંગળવારે જાહેર કર્યુ છે કે તેઓ પોતાના દર્શકોને જીવનમાં માત્ર એક વાર થનારા ઐતિહાસિક અનુભવ ચંદ્રયાન-૨ના લેન્ડિંગનું એકસકલૂસિવ લાઇવ પ્રસારણ કરીને દર્શાવશે. આ શોનું પ્રસારણ ૬ સપ્ટેમ્બરે જિઓગ્રાફી ચેનલ અને હોટસ્ટાર પર રાત્રે ૧૧:૩૦થી કરવામાં આવશે. તેને હોટસ્ટાર યૂઝર જોઈ શકશે.

ઇસરો જો સોફટ લેન્ડિંગમાં સફળતા મળશ. તો રશિયા, અમેરિકા અને ચીન બાદ ભારત એવું કરનારો દુનિયાનો ચોથો તથા ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં પહોંચનારો દુનિયાનો પહેલો દેશ બની જશે. અંતરિક્ષ એજન્સીએ કહ્યું કે, ચંદ્રયાન-૨ લેન્ડર અને રોવરને લગભગ ૭૦ ડિગ્રી દક્ષિણ અક્ષાંશમાં બે ખાડા મેંજિનસ સી અને સિંપેલિયસ એનની વચ્ચે એક ઊંચા મેદાન જેવા વિસ્તારમાં ઉતારવાનો પ્રયાસ કરશે.

ચંદ્રયાન-૨ના ઓર્બિટરનો જીવનકાળ એક વર્ષનો છે. આ દરિયાન તે ચંદ્રની સતત પરિક્રમ કરી તેની જાણકારી પૃથ્વી પર ઇસરોના વૈજ્ઞાનિકોને મોકલતું રહેશે. બીજી તરફ, રોવર પ્રજ્ઞાનનો જીવનકાળ એક ચંદ્ર દિવસ એટલે કે ૧૪ દિવસ જેટલો છે. આ દરમિયાન તે વૈજ્ઞાનિક પ્રયોગ કરી તેની જાણકારી ઇસરોને મોકલશે

ઉલ્લેખનીય છે કે, ૨૨ જુલાઈએ GSLV-MKુ  રોકેટ દ્વારા ચંદ્રયાન-૨ને બપોરે ૨.૪૩ કલાકે અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. તે ત્યારબાદ ૨૩ દિવસ પૃથ્વીની ચાર પ્રદક્ષિણા કરીને ચંદ્ર તરફ આગળ વધ્યું હતું. તે કુલ ૪૮ દિવસ બાદ એટલે કે ૭મી સપ્ટેમ્બરે પરોઢિયે ચંદ્રની ધરતી ઉપર ઉતરાણ કરશે. તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરાણ કરશે અને ચંદ્રના ૧ દિવસ (પૃથ્વીના ૧૪ દિવસ) સુધી ત્યાં વૈજ્ઞાનિક સંશોધન કરીને ધરતી ઉપર વિગતો મોકલાવશે. આ સાથે જ ભારત ઇતિહાસ રચશે તથા અવકાશી યુગમાં એક નવા જ અધ્યાયની શરૂઆત થશે.

ચંદ્રયાન-૨ દુનિયાનું એવું પહેલું યાન રહેશે જે ચંદ્રની ધરતીના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે. આ પહેલાં ચીનના કે. ચાંગ ઈ-૪ યાને દક્ષિણ ધ્રુવથી થોડે દૂર લેન્ડિંગ કરી હતી. આ ક્ષેત્ર અત્યાર સુધી વૈજ્ઞાનિકો માટે અજાણ છે. ચંદ્રના બાકીના હિસ્સાની તુલનામાં અહીં અંધારું હોવાથી આ વિસ્તારમાં બરફના રૂપમાં પાણી હોવાની સંભાવના વધારે છે. જો ચંદ્રયાન-૨ ચંદ્રની ધરતી પર બરફની શોધ કરે તો આ વિસ્તારમાં માનવોને રહેવાલાયક જગ્યા બનાવવાની સંભાવના વધી જશે અને ત્યાં બેઝ કેમ્પ બનાવી શકાશે. વળી આ સાથે અંતરિક્ષમાં નવી શોધખોળ કરવાનો રસ્તો પણ ખૂલી જશે.

ચંદ્રની ધરતી પરના દક્ષિણ ધ્રુવ પર કોઈ અવકાશયાત્રી ઊભો રહે તો તેને સૂર્ય ક્ષિતિજ રેખા પર દેખાશે. તે ચંદ્રની સપાટીને લાગીને ચમકતો નજરે પડશે. સૂર્યનાં કિરણો દક્ષિણ ધ્રુવમાં ત્રાંસા પડે છે. આના કારણે અહીં તાપમાન ઓછું હોય છે. સ્પેસ ઇન્ડિયાના ટ્રેનિંગ ઇન્ચાર્જ તરુણ શર્માએ કહ્યું હતું કે ચંદ્રનો જે હિસ્સો સૂર્યની સામે આવે છે ત્યાં તાપમાન ૧૩૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી જાય છે. ચંદ્રના જે ભાગ પર સૂર્યની રોશની પડતી નથી ત્યાં તાપમાન ૧૩૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે જતું રહે છે. આના કારણે ચંદ્રની ધરતી પર રોજ (એટલે કે પૃથ્વીના ૧૪ દિવસ બરાબર) તાપમાનમાં વધઘટ થાય છે, પણ દક્ષિણ ધ્રુવમાં વધઘટ થતી નથી. આથી અહીં પાણી મળવાની સંભાવના સૌથી વધારે છે.

 ૩ સપ્ટેમ્બરે સવારે ૮-૪પ થી ૯.૪૫ સુધીમાં વિક્રમ લેન્ડરે ચંદ્રયાન-૨થી મુકત થઈ નવા કક્ષામાં પ્રવેશ કર્યો.

 તે ૧૨૦ કિ.મીની પેરિઝીમાં પરિભ્રમણ કરતું હતું. તેને ડિઓર્બિટ કહેવામાં આવશે. તેમાં લેન્ડર યાનથી વિપરીત દિશામાં આગળ વધ્યું.

 ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર લેન્ડિંગ કરવા માટે લેન્ડર વિક્રમે વિપરીત દિશામાં જવું જ પડે છે.

 ૪ સપ્ટેમ્બરે સાંજે ૩દ્મક ૪ કલાકે ચન્દ્રની સૌથી નજીકની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો. તે ચંદ્રથી ૩૬ કિ.મીના અંતરે પહોંચ્યું.

પાંચ અને છ સપ્ટેમ્બર દરમિયાન લેન્ડરના સેન્સર્સ અને પેલોડ્સની ચકાસણી કરવામાં આવશે. પ્રજ્ઞાન રોવરની પણ ચકાસણી કરવામાં આવશે.

 ૬-૭ સપ્ટેમ્બરની રાત્રે ૧-૪૦ કલાકે લેન્ડર ચંદ્રની સપાટી ઉપર ઊતરવાની શરૂઆત કરશે અને ૧૫ જ મિનિટમાં ચંદ્રના સાઉથ પોલ ઉપર ઉતરાણ કરશે.

 તે ક્રેટર મેંજિનસ સી અને સિંપ્લિયસ એન નામના બે ક્રેટર વચ્ચે ઊતરશે.

લેન્ડિંગના બે કલાક બાદ એટલે કે અંદાજે પરોઢિયે ૪ કલાકે રેમ્પની બહાર નીકળશે. ૫.૦૫ વાગ્યે રોવરની સોલાર પેનલ ખૂલી જશે.

 ૫.૧૦ કલાકે તે ચંદ્રની સપાટી ઉપર ચાલવાનું શરૂ કરશે. તેના ૪૫ મિનિટ બાદ રોવર પણ ચંદ્ર ઉપર ઊતરશે.

 ત્યારબાદ રોવર પોતાની કામગીરી શરૂ કરતા તેની અને લેન્ડરની સેલ્ફી લેશે. તે પાંચ કલાક બાદ પૃથ્વી ઉપર મોકલશે.

 આમ કુલ આઠથી નવ કલાક દરમિયાન સમગ્ર કામગીરી પૂરી થયાની માહિતી પૃથ્વી ઉપર પહોંચશે.

(10:52 am IST)