Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

2022ના અંતમાં મુંબઇ-અમદાવાદ વચ્‍ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડશેઃ ભારત જાપાન પાસેથી 7 હજાર કરોડમાં 17 ટ્રેનો ખરીદશે

નવી દિલ્હી:ભારત લગભગ 7,000 કરોડના સોદામાં જાપાન પાસેથી 18 બુલેટ ટ્રેન ખરીદવાની યોજના ધરાવે છે. સૂત્રના જણાવ્યા અનુસાર સોદામાં સ્થાનિક ઉત્પાદન માટે ટેક્નોલોજી ટ્રાન્સફરનો પણ સમાવેશ થાય છે.

દેશની પહેલી બુલેટ ટ્રેન 2022ના અંતે મુંબઈ અને અમદાવાદ વચ્ચે શરૂ થવાની શક્યતા છે. બુલેટ ટ્રેન માટે 508 કિલોમીટરનો હાઈ-સ્પીડ ટ્રેન કોરિડોર જાપાનની મદદથી તૈયાર થઈ રહ્યો છે.અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે જાપાન પાસેથી 18 શિન્કાસેન (બુલેટ) ટ્રેન ખરીદીશું. દરેક ટ્રેનમાં 10 ડબા હશે અને ટ્રેન કલાક દીઠ 350 કિલોમીટરની ઝડપે દોડશે.”

હાઈ-સ્પીડ ટ્રેન માટે ટૂંક સમયમાં જારી થનારા ટેન્ડરમાં જાપાનની કંપનીઓ ભાગ લેશે. તેઓ જાપાન રેલવેઝની ડિઝાઇનને અનુસરશે. અધિકારીના જણાવ્યા અનુસાર જાપાનની બુલેટ ટ્રેન વિશ્વમાં સૌથી સુરક્ષિત છે અને સુરક્ષા સુનિશ્ચિત કરવા ટ્રેન્સ ઓટોમેટિક પ્રોટેક્શન સિસ્ટમ્સ સાથે આયાત કરવામાં આવશે.

મુંબઈ-અમદાવાદ રૂટનો ઉપયોગ 18,000 પેસેન્જર્સ કરશે એવો અંદાજ છે. ઇકોનોમી ક્લાસનું બંને શહેર વચ્ચેનું ભાડું 3,000થી ઓછું હોવાની શક્યતા છે. ટ્રેન્સમાં એરલાઇન્સ જેવી સુવિધા સાથે ફર્સ્ટ ક્લાસ કોચ પણ હશે. ભારતીય રેલવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવાની પ્રક્રિયા સાથે ભારતમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટિસિપેશન (PPP) ધોરણે ભારતમાં બુલેટ ટ્રેનની એસેમ્બલિંગ સુવિધા પણ તૈયાર કરશે. અધિકારીના જણાવ્યા અનુસાર કાવાસાકી અને હિટાચી જેવી કંપનીઓ ભારતમાં સુવિધા શરૂ કરશે.

અધિકારીએ કહ્યું હતું કે, “અમે ભારતમાં એસેમ્બલિંગ પ્લાન્ટ સ્થાપવા તેમજમેક ઈન ઇન્ડિયાપ્રોગ્રામ હેઠળ બિડ મંગાવીશું.” બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કન્સ્ટ્રક્શન જાન્યુઆરી ૨૦૧૯માં શરૂ થવાની શક્યતા છે. ભારતીય રેલવેને જમીન સંપાદન માટે ડિસેમ્બર 2018ની સમયમર્યાદા મુજબ કામ પૂરું થવાની આશા છે.

બુલેટ ટ્રેન કોરિડોરના રૂટમાં 12 સ્ટેશન્સ હશે. જેમાં ગુજરાતમાં 350 કિલોમીટર અને મહારાષ્ટ્રમાં 150 કિલોમીટરની સફરનો સમાવેશ થશે. સરકારને જાપાનીઝ ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી પાસેથી ભંડોળ મળવાનું શરૂ થઈ ચૂક્યું છે. એજન્સી વાર્ષિક 0.1 ટકાના દરે 50 વર્ષની મુદત માટે 88,000 કરોડની સોફ્ટ લોન આપવાની છે. લોનની ચુકવણી લોનની ફાળવણીની તારીખથી 15 વર્ષના મોરેટોરિયમ પછી શરૂ કરવામાં આવશે.

(6:11 pm IST)