Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ઉત્તરપ્રદેશ પુર : છ જિલ્લામાં સ્થિતિ ખૂબ જ ચિંતાજનક

ચોમાસુ વધુ ૧૦ દિવસ સુધી સક્રિય રહે તેવી આગાહી થઇ : ૧૬ જિલ્લાઓમાં પુરનો ખતરો : છ જિલ્લામાં પુર

લખનૌ તા. ૬ : ઉત્તરપ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે પુરની સ્થિતિ સર્જાઈ ગઇ છે. મંગળવારથી અવિરત વરસાદ જારી રહેવાના કારણે હાલત કફોડી બનેલી છે. છેલ્લા ૨૪ કલાકમાં જ વરસાદ અને વીજળી પડવાના કારણે વધુ ૧૮ લોકોના મોત થઇ ગયા છે. રાજ્યમાં વરસાદ અને વીજળી પડવા સાથે સંબંધિત બનાવોમાં હજુ સુધી ૨૨૫થી વધારે લોકોના મોત થઇ ચુક્યા છે.

હવામાન વિભાગે આગાહી કરતા કહ્યુ છે કે આ વખતે વધુ ૧૦ દિવસ સુધી મોનસુન સક્રિય રહી શકે છે. આંકડા મુજબ આ વખતે ઉત્તરપ્રદેશમાં ૨૩થી ૨૯ ઓગષ્ટ વચ્ચે ભારે વરસાદ થયો છે. હજુ વરસાદના કારણે પરેશાની વધી શકે છે. પહાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે ગંગા, ઘાઘરા અને રાપ્તી જેવી નદીઓમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ચુકી છે. 

કેરળ બાદ હવે ઉત્તરપ્રદેશમાં હાલત કફોડી બનેલી છે. ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની સાથે સાથે ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. મોનસુનના પરિણામ સ્વરુપે દેશના કેટલાક ભાગોમાં પુર જેવી સ્થિતિ સર્જાયેલી છે. ઉત્તરપ્રદેશમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ઉત્તરપ્રદેશમાં હાલત ખુબ જ કફોડી બનેલી છે. અનેક જિલ્લાઓમાં કાચા મકાનો ધરાશાયી થઇ ગયા છે. ગુરુવારથી સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

(4:06 pm IST)