Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

સરકારને ૩૦મી સુધી વરસાદની આશાઃ નહિતર અછત વરસશે

કોરાધાકોડ આકાશના કારણે ઘેરાતા ચિંતાના વાદળો : ચોમાસાની સત્તાવાર વિદાય વેળાએ 'હજાર હાથવાળા'ના ચમત્કારની રાહઃ ગુજરાતમાં સપ્ટેમ્બરમાં જિલ્લાવાર સરેરાશ ૭ ઇંચ વરસાદ પડયાનો છેલ્લા ૧૨ વર્ષનો રેકોર્ડ : આ વર્ષ મોસમનો કુલ વરસાદ ૭૩.૬૬ ટકાઃ ૩ તાલુકાઓમાં માત્ર બે ઇંચની અંદર વરસાદ પડયો : ૧૦ તાલુકાઓમાં બેથી પાંચ ઇંચ વરસાદ : ૪૧ તાલુકાઓમાં પાંચથી દશ ઇંચ વરસાદ : ૩૬ તાલુકાઓમાં ૪૦ ઇંચથી વધુ વરસાદ : અછતના ડાકલા વાગવા લાગ્યા

ગાંધીનગર તા. ૬ : ગુજરાતમાં ચોમાસાની વિધિવત વિદાયના દિવસો નજીક આવ્યા છતાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અપૂરતો થતાં ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર મધ્યે ચોમાસુ વિદાય લઇ લેતુ હોય છે પરંતુ આ વખતે ચોમાસાની શરૃઆત મોડી થઇ હોવાથી તેમજ ગુજરાતી મહિના પ્રમાણે એક અધિક માસ આવી ગયો હોવાથી સપ્ટેમ્બર અંત સુધીમાં સરકારને અને ખેડૂતોને સારા વરસાદની આશા છે.

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં જિલ્લાવાર સરેરાશ સાતેક ઇંચ વરસાદ પડતો હોવાનો છેલ્લા ૧૨ વર્ષનો રેકોર્ડ છે. જો આ સપ્ટેમબર મહિનામાં આટલો વરસાદ થઇ જાય તો ખેતી અને પીવાના પાણીની દ્રષ્ટિએ ઘણી રાહત થઇ શકે તેમ છે. ચોમાસાનો મોટાભાગનો સમય પસાર થઇ ગયો છે. આવતા બે-ચાર દિવસોમાં કયાંય વરસાદ થવાનો હવામાન શાસ્ત્રીઓનો વર્તારો નથી. કોરૃધાકોડ આકાશ ચિંતાના વાદળો સર્જી રહ્યું છે. લોકોને કુદરતી ચમત્કાર પર આશા છે. જો ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વરસાદ નહિ થાય તો અનેક વિસ્તારો માટે અછતનું આયોજન કરવું પડશે.

ગુજરાતમાં આ વર્ષે સરેરાશ ૭૩.૬૬ ટકા વરસાદ થઇ ગયો છે. ગઇકાલની સત્તાવાર સ્થિતિ મુજબ ૨૫૧ પૈકી ૩ તાલુકાઓમાં બે ઇંચ સુધીનો જ વરસાદ થયો છે. ૧૦ તાલુકાઓમાં બેથી પાંચ ઇંચ વરસાદ પડયો છે. ૪૧ તાલુકાઓમાં ૫ થી ૧૦ ઇંચ વરસાદ થયો છે. ૮૬ તાલુકાઓમાં ૧૦ થી ૨૦ ઇંચ વસરાદ થયો છે. ૩૬ તાલુકાઓમાં સરેરાશ ૪૦ ઇંચ વરસાદ થઇ ગયો છે. કચ્છના ૭ તેમજ બનાસકાંઠાના ૪ અને પાટણના ૧ તાલુકામાં ૫ ઇંચથી ઓછો વરસાદ નોંધાતા કયાં સ્થિતિ વધારે વિકટ છે. ચોમાસાની સત્તાવાર વિદાય વેળાએ સૌ મેઘસવારીની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.(૨૧.૧૭)

(11:45 am IST)