Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ભારતીય ટુરિસ્ટો માટે જાણીતી થાઈલેન્ડની નાઈટ કલબમાં ભીષણ આગ ભભૂકી: 40 લોકોના મોત:10 ની હાલત નાજુક

રાજધાની બેંકોકના દક્ષિણ પૂર્વમાં સ્થિત માઉન્ટેન બી નાઇટ ક્લબમાં મોડીરાત્રે આગ લાગી : રાહત-બચાવ કામગીરી ચાલુ

થાઇલેન્ડની એક નાઇટ ક્લબમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની ઝપેટમાં આવેલા 40 લોકોના મોત થયા છે અને 10 લોકોની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

થાઇલેન્ડના ચોનુબરીના સટ્ટાહિપ જિલ્લામાં આવેલી નાઇટ ક્લબમાં આ દુર્ઘટના બની હતી. જે થાઇલેન્ડની રાજધાની બેંકોકના દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. પોલીસના જણાવ્યા અનુસાર, માઉન્ટેન બી નાઇટ ક્લબ માં રાત્રે એક વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ ઘટનામાં મૃતકો અને ઇજાગ્રસ્ત થાઇલેન્ડના નાગરિકો હોવાનું જાણવા મળી રહ્યું છે. રાહત બચાવ કાર્ય સાથે જોડાયેલા લોકોના હવાલાથી સ્થાનિક અખબારે મૃતકઆંક 40નો બતાવ્યો છે.

આ નાઇટ ક્લબ ખૂબ જ જાણીતી છે અને અહીં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ પણ આવતાં હોય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, લોકો આગ લાગ સુરક્ષિત સ્થળો તરફ દોડી રહ્યા છે. લોકોની ચીખો સંભળાઇ રહી છે. જોકે, હજુ સુધી આગનું કારણ સામે આવ્યું નથી.

અગાઉના પ્રાથમિક અહેવાલો અનુસાર, આ અગ્નિકાંડમાં 13ના મોત થયા હતા જ્યારે 41 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 9 પુરુષો અને 4 મહિલાઓ સામેલ હતી. નોંધનીય છે કે, ઘટનાની જાણ થતાં ફ્લુ તા લુઆંગ પોલીસ સ્ટેશનની પોલીસ કર્મી ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવવા કામગીરી હાથ ધરી હતી. સાથે જ આગના કારણ અંગે તપાસ ચાલી રહી છે.

(2:27 pm IST)