Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્‍સિલની ૭મી બેઠકની અધ્‍યક્ષતા કરશે પીએમ મોદી

પાક વૈવિધ્‍યકરણ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે

નવી દિલ્‍હી તા. ૬ : વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી ૭ ઓગસ્‍ટના રોજ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્‍સિલની બેઠકની અધ્‍યક્ષતા કરશે અને પાક વૈવિધ્‍યકરણ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. નિવેદન અનુસાર, ‘નીતિ આયોગની ૭મી ગવર્નિંગ કાઉન્‍સિલની બેઠક સ્‍થિર અને સમાવિષ્ટ ભારતના નિર્માણની દિશામાં કેન્‍દ્ર અને રાજયો - કેન્‍દ્રશાસિત પ્રદેશો વચ્‍ચે સહકાર તરફ સિનર્જીનો માર્ગ મોકળો કરશે.'

નિવેદનમાં ઉમેર્યું હતું કે, ‘આ બેઠક સંઘીય પ્રણાલીમાં ભારતના પ્રમુખપદના મહત્‍વ અને G-20 ફોરમમાં રાજયોની ભૂમિકા પર ભાર મૂકશે, જે તેમની પ્રગતિને પ્રકાશિત કરશે.' નીતિ આયોગની સર્વોચ્‍ચ સંસ્‍થામાં તમામ મુખ્‍ય પ્રધાનો, કેન્‍દ્રશાસિત પ્રદેશોના લેફટનન્‍ટ ગવર્નરો અને કેટલાક કેન્‍દ્રીય પ્રધાનોનો સમાવેશ થશે. વડાપ્રધાન નીતિ આયોગના અધ્‍યક્ષ છે.

 નિવેદનમાં જણાવાયું છે કે મીટિંગની તૈયારી માટે જૂન ૨૦૨૨માં ધર્મશાળામાં મુખ્‍ય સચિવોની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પરિષદની અધ્‍યક્ષતા વડા પ્રધાને કરી હતી અને તેમાં તમામ રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોના મુખ્‍ય સચિવો તેમજ કેન્‍દ્ર અને રાજય સરકારોના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.

૭મી ગવર્નિંગ કાઉન્‍સિલની બેઠક ઉપરોક્‍ત વિષયોમાંથી એક પર રોડમેપ અને પરિણામલક્ષી એક્‍શન પ્‍લાનને આખરી રૂપ આપવાનો પ્રયાસ કરશે, એમ નિવેદનમાં જણાવાયું છે. સામાન્‍ય રીતે સંપૂર્ણ પરિષદ દર વર્ષે મળે છે. ગયા વર્ષે ૨૦ ફેબ્રુઆરીએ મોદીની અધ્‍યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી.

કોવિડ-૧૯ રોગચાળાને કારણે ૨૦૨૦માં કાઉન્‍સિલની બેઠક બોલાવવામાં આવી ન હતી. જુલાઈ ૨૦૧૯ પછી ગવર્નિંગ કાઉન્‍સિલની આ પ્રથમ વ્‍યક્‍તિગત બેઠક હશે. કાઉન્‍સિલની પ્રથમ બેઠક ૮ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ મળી હતી.

(11:35 am IST)