Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

રામ મંદિર ૨૦૨૪ સુધીમાં ભક્‍તો માટે ખોલવામાં આવશે : ૪૦ ટકા બાંધકામ પૂર્ણ

અયોધ્‍યામાં રામ મંદિર નિર્માણનું કામ તેજ ગતિએ ચાલી રહ્યુ છે : મંદિરની દિવાલોમાં ગુલાબી સેંડસ્‍ટોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે : જે રાજસ્‍થાનથી મંગાવવામાં આવ્‍યો છે

અયોધ્‍યા,તા. ૬ : અયોધ્‍યામાં બનેલ ‘રામ મંદિર' ૨૦૨૪ સુધીમાં ભક્‍તો માટે ખુલ્લું મુકવામાં આવશે. મંદિરનું ૪૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને બે વર્ષ પછી ભક્‍તો અહીં દર્શન માટે આવી શકશે. મંદિરના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા એન્‍જિનિયરોએ જણાવ્‍યું હતું કે મંદિરનો પહેલો માળ ૨૦૨૪ની શરૂઆતમાં તૈયાર થઈ જવાની અપેક્ષા છે.  રામ જન્‍મભૂમિ ટ્રસ્‍ટ દ્વારા નિયુક્‍ત કરાયેલા પાંચ મુખ્‍ય એન્‍જિનિયરોમાંથી એક જગદીશે કહ્યું, ‘મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી થઈ રહ્યું છે. મંદિરની દિવાલોમાં ગુલાબી સેંડસ્‍ટોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે રાજસ્‍થાનથી મંગાવવામાં આવ્‍યો છે.'

શુક્રવારે (૫ ઓગસ્‍ટ, ૨૦૨૨) રામ જન્‍મભૂમિ મંદિરની જગ્‍યા મીડિયા માટે ખોલવામાં આવી છે. એન્‍જિનિયરોનું કહેવું છે કે રામ મંદિરના નિર્માણ માટે કામ કરવું તેમના માટે ગર્વની વાત છે. એવું માનવામાં આવે છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા મંદિરને ખોલવામાં આવશે.

તમને જણાવી દઈએ કે લગભગ બે વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્‍યાસ કર્યો હતો. મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે કહ્યું, ‘૫૦૦ વર્ષથી ચાલી રહેલ સંઘર્ષ હવે તેના નિષ્‍કર્ષ તરફ આગળ વધી રહ્યો છે. કોઈપણ ભારતીય માટે આ ગર્વની ક્ષણ છે. આક્રમણકારોએ અમારી સંસ્‍કૃતિ પર હુમલો કર્યો, પરંતુ અંતે અમે જીતી ગયા.'

મંદિરના નિર્માણમાં ૮ થી ૯ લાખ ઘનફૂટ કોતરવામાં આવેલ રેતીનો પત્‍થર અને ૬.૩૭ લાખ ઘન ફુટ કોતરવામાં આવેલ ગ્રેનાઈટ, ૪.૭૦ લાખ ઘન ફુટ કોતરવામાં આવેલ સેન્‍ડસ્‍ટોન અને ૧૩,૩૦૦ ઘન ફુટ મકરાણા સફેદ કોતરવામાં આવેલ માર્બલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મંદિર નિર્માણના પ્રભારી રામજન્‍મભૂમિ ટ્રસ્‍ટે જણાવ્‍યું કે ગર્ભગૃહમાં રાજસ્‍થાનની મકરાણા પહાડીઓના સફેદ આરસનો ઉપયોગ કરવામાં આવશે.

આજે રામ મંદિર ભૂમિ પૂજનની બીજી વર્ષગાંઠ છે. ૫ ઓગસ્‍ટ, ૨૦૨૦ ના રોજ રામ મંદિરના નિર્માણ માટે શિલાન્‍યાસ કરવામાં આવ્‍યો હતો. તેના પર યોગી આદિત્‍યનાથે કહ્યું કે કોંગ્રેસ દ્વારા શ્રી રામ જન્‍મભૂમિ પૂજનની વર્ષગાંઠ પર કાળા કપડા પહેરીને કરવામાં આવેલ પ્રદર્શન નિંદનીય છે. તેમણે કહ્યું કે આ રીતે કોંગ્રેસે રામભક્‍તોનું અપમાન કર્યું છે. જણાવી દઈએ કે આજે કોંગ્રેસે મોંઘવારી અને બેરોજગારીને લઈને દેશવ્‍યાપી પ્રદર્શન કર્યું હતું, જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને શશિ થરૂર સહિત મોટી સંખ્‍યામાં કોંગ્રેસના કાર્યકરોએ ભાગ લીધો હતો. 

(10:44 am IST)