Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

બે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા

છેલ્લા 24 કલાકમાં 4 ભાજપ નેતાઓએ રાજીનામા આપ્યા: માફી પણ માંગી

 

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં ભાજપના ચાર નેતાઓએ રાજીનામા આપી દીધા. કુલગામના દેવસરથી ભાજપ સરપંચે રાજીનામું આપ્યુ છે  અગાઉ ભાજપ નેતા સબજાર અહેમદ પાદર, નિસાર અહેમદ વાણી અને આશિક હુસેન પાલાએ પાર્ટીમાંથી રાજીનામા આપ્યા હતા.

સબજાર અહેમદ પાદર, નિસાર અહેમદ વાણી અને આશિક હુસેન પાલાએ ખાનગી કારણોથી ભાજપ છોડ્યાના હવાલો આપતા જણાવ્યું હતુ કે, આજ પછી ભાજપ સાથે કોઈ લેવા-દેવા નથી. જો તેમના કારણે કોઈની ભાવના દુભાવી હોય તો તે તેની માફી માંગે છે.

ભાજપ નેતાઓના રાજીનામા પાછળનું કારણ કુલગામમાં સરપંચો ઉપર થનાર જીવલેણ હુમલાને ગણાવવામાં આવી રહ્યુ છે. ગુરુવારે કુલગામ જિલ્લાના કાજીગુંડ બ્લોકના વેસ્સુ ગામમાં ભાજપ સરપંચ સજ્જાદ પર તેમના ઘરની બહાર ગોળીબાર થયો હતો. ઘટના બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ભાજપ સરપંચ સજ્જાદ અહેમદની હત્યાના થોડા કલાક પહેલા કાજીગુંડ અખરાનમાં આતંકવાદીઓએ ભાજપ સરપંચ આરિફ અહેમદ પર હુમલો કર્યો હતો. હુમલામાં આરિફ અહેમદ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સરપંચો પર હુમલાથી ભાજપ નેતાઓ વચ્ચે ભયનો માહોલ છે. માનવામાં આવી રહ્યુ છે કે, આતંકવાદીઓના હુમલા પછી ભાજપ નેતા રાજીનામા આપી રહ્યા છે.

રાજીનામા આપનાર નેતાઓએ જણાવ્યુ કે, પોતાની વ્યસ્તતાને કારણે તેઓ ભાજપની પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે સમય કાઢી શકતા નથી, તેથી તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. આજથી અમારું ભાજપ સાથે કોઈ લેવા-દેવા નથી. જો તેમના કારણે કોઈને મુશ્કેલી થઈ હોય તો તેઓ માફી માંગે છે.

(11:19 pm IST)