Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

સોના-ચાંદીના ભાવમાં તેજી, સોનું ૫૭,૦૦૦ને પાર થયું

સ્થાનિક બજારમાં સોનાના ભાવ નવા શિખરે પહોંચ્યા : અમેરિકી ટ્રેઝરી બોન્ડમાં ઘટાડો આવતા બેન્ચમાર્ક ૧૦ વર્ષના ટ્રેઝરીની યીલ્ડ ૫ માસના નીચેના સ્તર પર પહોંચી

અમદાવાદ, તા.૬ : દુનિયાભરમાં વધતું કોરોના વાયરસ સંક્રમણના મામલે અને આર્થિક ગ્રોથ અંગે ભારે ચિંતાઓના પગેલ સોનામાં સુરક્ષિત રોકાણની રફ્તાર વધારે વધી છે. આ કારણે ઘરેલું બજારમાં સોનાના ભાવ નવા શિખરે પહોંચ્યા છે.અમદાવાદમાં સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ ૧૪૦૦ રૂપિયા અને એક કિલો ચાંદીમાં ૭૫૦૦ રૂપિયાનો ભાવ વધારો થતાં બંને કિંમતી ધાતુઓએ બધા રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. નિષ્ણાંતોનું માનવું છે કે નબળા પડેલા અમેરિકન ડોલર, કેન્દ્રીય બેક્નો તરફથી પ્રોત્સાહન ઉપાયો અને વધતાં કોરોના વાયરસના કેસોના પગલે સોનામાં સેફ ઈન્વેસ્ટમેન્ટમાં વધારો થયો છે.

             પ્રાકૃતિક આપદા, મહામારી અને રાજનૈતિક તણાવમાં સોનામાં રોકાણ સુરક્ષિત માનવામાં આવે છે. પાંચ વર્ષમાં અમેરિકી ટ્રેઝરી બોન્ડમાં મંગળવારે રેકોર્ડ ઘટાડો આવતા બેન્ચમાર્ક ૧૦ વર્ષના ટ્રેઝરીની યીલ્ડ પાંચ મહીનાની નિચલા સ્તર ઉપર ગઈ છે.  અમદાવાદ ઝવેરી બજારમાં એક કિલો ચાંદીમાં ૭૫૦૦ રૂપિાયનો તોતિંગ ઉછાળો થતાં ચાંદી ચોરસાનો ભાવ ૭૨,૦૦૦ રૂપિયા અને ચાંદી રૂપુંનો ભાવ ૭૧,૮૦૦ રૂપિયાના નવી સપાટીએ પહોંચ્યો હતો. આ ઉપરાંત અમદાવાદમાં ૧૦ ગ્રામ સોનામાં ૧૪૦૦ રૂપિયાનો જોરદાર ઉછાળો નોંધાતા સોનું સ્ટાન્ડર્ડ (૯૯.૯) ૫૭,૧૦૦ રૂપિયા અને સોનું તેજાબી (૯૯.૫) ૫૬,૯૦૦ રૂપિાયની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું હતું. હોલમાર્ક દાગીનાના ભાવમાં ૧૩૭૫ રૂપિાયનો વધારો થતાં હોલમાર્ક દાગીનાનો ભાવ ૫૫,૯૬૦ રૂપિાયના સ્તરે પહોંચ્યો હતો.

        બુધવારે દિલ્હી સરાફા બજારમાં ૯૯.૯ સોનું અત્યાર સુધીના નવા ઉચ્ચતમ સ્તર ઉપર ૫૬,૧૮૧ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ ઉપર પહોંચ્યું છે. મંગળવારે ૫૪,૮૧૬ રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. આ દરમિયાન ૧૩૬૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની તેજી નોંધાઈ હતી. બુધવારે ચાંદીનો ભાવ ૬૬,૭૫૪ રૂપિયાથી વધીને ૭૨,૭૨૬ રૂપિયાના સ્તરે પહોંચી હતી. આ દરમિયાન ચાંદીના ભાવમાં ૫૯૭૨ રૂપિાય પ્રતિ કિલો વધારો નોંધાયો હતો. મુંબઈમાં સોનાના ભાવ વધીને ૫૫,૨૦૧ રૂપિયા અને ચાંદીનો ભાવ ૬૯,૨૨૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચ્યાં હતા. વૈશ્વિક બજારમાં સોનાના હાજર ભાવમાં ૨૦૨૦ ડોલર પ્રતિ ઔંસને પાર કરી ગયું હતું. અમેરિકી સોના વાયદામાં ૦.૯ ટકા વધારા સાથે ૨.૦૩૯ ડોલર ઉપર બંધ રહ્યું હતું. આ વર્ષે, વૈશ્વિક બજારોમાં સોનાની કિંમતોમાં ૩૩ ટકા તેજી આવી છે. એચડીએફસી સિક્યોરિટીના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટી) તપન પટેલનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સોનાની કિંમતો નવા શિખર ૨૦૩૨ ડોલર પ્રતિ ઔંસ ઉપર પહોંચી ગયું હતું. ચાંદીના ભાવમાં ૨૬.૪૦ ડોલર પ્રતિ ઔંસ ઉપર પહોંચી ગયું હતું. આ કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવ વધ્યા છે.

(8:26 pm IST)