Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ માટે સીબીઆઇની ટીમ પટણા-મુંબઇમાંથી દસ્‍તાવેજોનો કબ્‍જો અને નિવેદનો લેશે

નવી દિલ્હી: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની સીબીઆઈ તપાસ શરૂ થઈ ગઈ છે. બિહાર સરકારની ભલામણ પર Department of Personnel and Trainingએ આ મામલે સીબીઆઈ તપાસ માટે નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. સીબીઆઈ હવે પોતાની પટણા, મુંબઈ કે દિલ્હી બ્રાન્ચમાંથી કોઈ એકમાં કેસ ટ્રાન્સફર કરીને કેસની તપાસ શરૂ કરાવી શકે છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ ખુબપ જ હાઈ પ્રોફાઈલ કેસને જોતા CBI આ મામલે કોઈ બ્રાન્ચ હેઠળ એક સ્પેશિયલ ટીમ પણ બનાવી શકે છે. આ ટીમ આ મામલે ફરીથી એક એફઆઈઆર દાખલ કરી શકે છે. જેમાં આત્મહત્યા, અપરાધિક ષડયંત્ર, દગાબાજી, સહિત સુશાંતના પરિવાર દ્વારા લગાવાયેલા અન્ય આરોપ પણ સામેલ થઈ શકે છે. CBIની ટીમ પટણા અને મુંબઈમાં જઈને ત્યાં અત્યાર સુધી થયેલી તપાસ અને કેસ સંબંધિત દસ્તાવેજોને પોતાના કબ્જામાં લેશે. આ સાથે આ કેસ સાથે જોડાયેલા લોકોના નિવેદન લઈ શકે છે. નિવેદનો અને અન્ય પુરાવાને પણ તે પોતાની કસ્ટડીમાં લેશે.

આ બાજુ ઈડીએ આરોપી રિયા ચક્રવર્તીને તેમની સામે હાજર થવા માટે સમન પાઠવ્યું છે. રિયાને 7મી ઓગસ્ટના રોજ ઈડી સામે હાજર થવાનું કહેવાયું છે. સુશાંત સિંહના પિતા કે કે સિંહે રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક પર 15 કરોડના ગબનનો આરોપ લગાવ્યો છે. જેને જોતા ઈડીએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ પર્સનલ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)નો કેસ દાખલ કર્યો છે.

બિહાર અને મુંબઈ પોલીસ આ કેસમાં આમને સામને છે. આરોપ પ્રત્યારોપ વચ્ચે બુધવારે ભાજપના સાંસદ અને મહારાષ્ટ્રના નેતા નારાયણ રાણેએ અત્યંત ચોંકાવનારા આરોપ લગાવ્યાં. નારાયણ રાણેએ કહ્યું કે સુશાંત રાજપૂતની હત્યા થઈ છે. રાણેએ કહ્યું કે સુશાંત અગાઉ તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાનને પણ આમ જ મારવામાં આવી છે. રાણેએ દાવો કર્યો કે દિશા સાલિયાનના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના પ્રાઈવેટ પાર્ટ પર ઈજાની વાત લખી હતી. જ્યારે મુંબઈ પોલીસે તેને પણ આત્મહત્યા ગણાવીને કેસ બંધ કરી દીધો.

આ મામલે અત્યાર સુધી ચૂપ બેઠેલા મહારાષ્ટ્રના મંત્રી અને સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ પણ પહેલીવાર નિવેદન આપ્યું. આદિત્ય ઠાકરેએ કહ્યું કે તેમને અને તેમના પરિવારને કોઈ પણ કારણ વગર નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે તેમને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી.

અત્રે જણાવવાનું કે બોલિવૂડના ઉભરતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14મી જૂનના રોજ તેમના બાન્દ્રા ખાતેના ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતાં. આ મામલે મુંબઈ પોલીસે એક્સીડેન્ટલ ડેથ રિપોર્ટ કર્યો હતો. અત્યાર સુધીમાં 56 લોકોના નિવેદનો લેવાયા છે. જેમાં બોલિવૂડ ડાઈરેક્ટર આદિત્ય ચોપરા, મહેશ ભટ્ટ, સંજય લીલા ભણસાલી, રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતની બહેનો સામેલ છે.

આ બાજુ સુશાંતના પિતા કે કે સિંહે મુંબઈ પોલીસ પર આ કેસને દબાવવાનો આરોપ લગાવતા 25 જુલાઈના રાજ પટણાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તી અને 6 અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે તેમના જમાઈએ આ વર્ષે 25 ફેબ્રુઆરીના રોજ મુંબઈ પોલીસને મેસેજ કરીને સુશાંતને જીવનું જોખમ હોવાનું કહ્યું હતું. પરંતુ મુંબઈ પોલીસે કશું કર્યું નહીં.

(5:13 pm IST)