Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

પતંજલિની 'કોરોનીલ'નું બમ્પર વેચાણ

આ દવાની કિંમત રૂ.૫૦૦ છે : રોજના ૧૦ લાખ પેકેટની માંગ પુરી કરવામાં મુશ્કેલીઃ બાબા રામદેવ

નવી દિલ્હી,તા. ૬: કોરોનાના કહેર વચ્ચે બાબા રામદેવની પતંજલિની કોરોનીલ દવાની બજારમાં મોટી માંગ છે. યોગગુરૂ રામદેવનો દાવો છે કે, પતંજલિ આયુર્વેદને કોવિદ-૧૯ને સામે પ્રતિરોધક શકિત વધારનારી વિવાદિત દવા કોરોનીલ માટે રોજની ૧૦ લાખ પેકેટની માંગ મળી રહી છે.

રામદેવે કહ્યું કે, હરિદ્વાર ખાતેની કંપની આ માંગને પુરા કરવા માટે ઝઝુમી રહી છે. કેમ કે, અત્યારે તો તે એક લાખ પેકેટ પણ માંડ સપ્લાય કરી શકે છે. બાબાએ દાવો કર્યો, આજે અમારી પાસે રોજના  ૧૦ લાખ પેકટની માંગ છે. પણ અમે ફકત એક લાખ પેકટ સપ્લાય કરી શકીએ છીએ.તેમણે કહ્યુ કે, પતંજલિ આયુર્વેદે તેની કિંમત ફકત ૫૦૦ રૂપિયા રાખી હતી. કોરોના વાયરસ મહામારીના દોરમાં જો અમે તેની વધારે કિંમત કદાચ ૫૦૦૦ રૂપિયા રાખી હોત તો પણ અમે સહેલાઇથી ૫૦૦૦ કરોડ રૂપિયા કમાઇ શકત. પણ અમે તેવું નથી કર્યું

આ પહેલા જૂનમાં બાબા રામદેવે દાવો કર્યો હતો કે, કોરોનીલ કોવિડ ૧૯ના દર્દીઓને સાજા કરી શકે છે. જો કે આયુષ મંત્રાલયે તેને તરત વેચવા પર પ્રતિબંધ મુકી દીધો અને પછી કેન્દ્રીય મંત્રાલયે કહ્યું કે, પતંજલી આ ઉત્પાદનને ફકત રોગ પ્રતિકારક શકિત વધારવાની દવા તરીકે વેચી શકે છે અને કોવિડ-૧૯ના ઇલાજની દવા તરીકે નહી વેંચી શકે.

(4:45 pm IST)