Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

૧ મીનીટમાં ૪ લોકોના જીવ લઇ રહ્યો છે કોરોના

દુનિયામાં મૃતકોનો આંકડો ૭ લાખને વટાવી ગયોઃ ચીનના વુહાનમાં કોરોનાથી સાજા થયા બાદ ૯૦ ટકા દર્દીઓમાં ફેફસાની બીમારી જોવા મળી

જીનીવા,તા.૬: દુનિયાભરમાં કોરોનાનો કહેર ચાલુ જ છે. સંક્રમિતોની સંખ્યા અને આ મહામારીથી મરનારાઓની સંખ્યા પણ વધી રહી છે. દુનિયામાં આના કારણે મરનારાઓની સંખ્યા ૭ લાખથી ઉપર પહોંચી ગઇ છે. છેલ્લા બે અઠવાડીયાના આંકડાઓ જોઇએ તો કોરોનાથી દર ૨૪ કલાકે સરેરાશ ૫૯૦૦ લોકોના જીવ જઇ રહ્યા છે. જે દર કલાકે ૨૪૭ લોકો અને દર મિનિટે ૪ વ્યકિત થાય છે.

વૈશ્વિક સ્તરે કોરોના સંક્રમિતોનો આંકડો ૧.૮૭ કરોડથી વધી ગયો છે. લેટીન એમરિકાના દેશોમાં આ મહામારી ઝડપભેર ફેલાઇ રહી છે. અત્યાર સુધીમાં ૫૦ લાખથી વધારે લોકો સંક્રમિત થઇ ચુકયા છે. મૃતકોનો આંકડો પણ ૨ લાખથી વધી ગયો છે. લેટીન અમેરિકન દેશ બ્રાઝીલ આ મહામારીથી સૌથી વધારે અસરગ્રસ્ત છે. લગભગ ૬૪ કરોડની વસ્તી ધરાવતા લેટીન અમેરિકાના બ્રાઝીલ, વેનેઝુએલા, ચિલી, આર્જેન્ટીના સહિત ૩૩ દેશો છે. અમેરિકામાં કોરોનાથી મરનારા લોકોનો દર સતત ચોથા અઠવાડીયે વધી છે. જો કે નવા કેસોમાં સતત બીજા અઠવાડીયે પાંચ ટકાનો ઘટાડો થયો છે.

તો ચીનમાં વુહાનની મુખ્ય કોરોના હોસ્પિટલમાંથી સાજા થઇને ઘરે ગયેલા લગભગ ૯૦ ટકા દર્દીઓને ફેફસાની તકલીફ થઇ છે. જ્યારે પાંચ દર્દીઓ ફરીથી પોઝીટીવ આવતા તેમને કવોરન્ટાઇન કરાયા છે. ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, વુહાન યુનિવર્સિટીની ઝોગનાન હોસ્પિટલના ઇન્ટેન્સીવ કેર યુનિટના ડાયરેકટર પેંગ જીહયોગના નેતૃત્વમાં એપ્રિલમાં સાજા થયેલા ૧૦૦ લોકોના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી ૯૦ ટકાને ફેફસાની તકલીફ જોવા મળી. આ ઉપરાંત કોરોનાથી સાજા થનારા અડધાથી વધારે લોકો માનસીક બિમારીના શિકાર છે. તેમાંથી મોટા ભાગના લોકોને ઉંઘની તકલીફ છે. તો ૩૧ ટકા લોકો ડીપ્રેશનનો શિકાર છે. જ્યારે ૪૨ ટકાને એંગ્ઝાઇટીની તકલીફ છે.

(4:28 pm IST)