Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ઓલ ઇન્ડિયન ઇમામ એસોસીએશનના અધ્યક્ષ સાજીદ રશિદીની ખુલ્લી ધમકીઃ રામ મંદિર તોડી પાડી મસ્જિદ બનાવાશેઃ કહ્યું કે વિવાદીત જગ્યા ઉપર મસ્જિદ હતી અને મસ્જિદ જ રહેશે

નવી દિલ્હી તા. ૬ : અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન અને શિલાન્યાસના એક દિવસ બાદ ઓલ ઇન્ડિયા ઇમામ એસોસીએશનનું ભડકાઉ નિવેદન સામે આવ્યું છે. એસોસીએશનના અધ્યક્ષ સાજિદ રશીદીએ કહ્યું છે કે રામ મંદિરને તોડીને ત્યાં મસ્જિદ બનાવાશે. તેમણે એમ પણ કહ્યું છે કે વિવાદાસ્પદ સ્થળ પર કયારેય મંદિર થયો નહોતો. ત્યાં બાબરી મસ્જિદ હતી અને મસ્જિદ જ રહેશે.

રશીદીએ કહ્યું કે ઇસ્લામ કહે છે કે મસ્જિદ હંમેશા મસ્જિદ જ રહેશે. બીજું કંઇ નિર્માણ કરવા માટે મસ્જીદને તોડી શકાય નહીં. તેમણે કહ્યું કે અમારું માનવું છે કે બાબરી મસ્જિદ ત્યાં હતી અને ત્યાં હંમેશા મસ્જિદ તરીકે ત્યાં રહેશે. મંદિરને તોડી ત્યાં મસ્જિદ બનાવામાં આવી નહોતી પરંતુ હવે એવું થઇ શકે છે. મંદિર તોડીને ત્યાં ફરીથી મસ્જિદ બનાવાશે.

એટલું જ નહીં મૌલાના એ આગળ પીએમ મોદી પર પણ નિશાન સાંધ્યું. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ રામ મંદિરના ભૂમિ પૂજનમાં જઇ સંવિધાનનું ઉલ્લંઘન કર્યું છે.

ભૂમિ પૂજનના એક દિવસ પહેલાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એ પણ આ પ્રકારનું ભડકાઉ નિવેદન રજૂ કર્યું હતું. બોર્ડ એ કહ્યું હતું કે બાબરી મસ્જિદ કાલે પણ હતી, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે. મસ્જિદમાં મૂર્તિઓ રાખવાથી કે પછી પૂજા-પાઠ શરૂ કરી દેવું કે એક લાંબા સમય સુધી નમાજ પર પ્રતિબંધ લગાવી દેવાથી મસ્જિદની હૈસિયત ખત્મ થતી નથી. અમારું હંમેશાથી માનવું રહ્યું છે કે બાબરી મસ્જિદ કોઇપણ મંદિર કે કોઇ હિન્દુ ઇબાદતગાહને તોડીને બનાવી નથી. કહ્યું કે સ્થિતિ ગમે તેટલી ખરાબ હોય આપણે હોંસલો હારવો જોઇએ નહીં. બોર્ડની તરફથી પણ મંદિર તોડી પાડીને મસ્જિદ બનાવાની ચેતવણી આપી દીધી હતી.

રામ મંદિરના નિર્માણનું ભૂમિ પૂજન ૫મી ઓગસ્ટના રોજ કરાયું. ભૂમિ પૂજન પીએમ મોદીએ કર્યું હતું. મંદિરને બનાવામાં ત્રણ થી સાડા ત્રણ વર્ષનો સમય લાગશે. મંદિરના ભૂમિ પૂજનને લઇ અને પીએમના કાર્યક્રમમાં આવવાને લઇ કેટલાંય લોકોએ નિશાન પણ સાંધ્યું.

ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટ એ અયોધ્યાના વિવાદાસ્પદ સ્થળને રામ જન્મભૂમિનું માન્યું હતું. સુપ્રીમ કોર્ટે રામ લલા મંદિર માટે ૨.૭૭ એકર જમીન ફાળવી હતી. તો મસ્જિદ માટે બીજે કયાંય જમીન ફાળવવા માટે યુપી સરકારને કહ્યું હતું.

(4:26 pm IST)