Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

હવે સોનાના વેલ્યુએશનના ૯૦ ટકા મળશે લોન

આમ આદમી અને નાના વેપારીઓને રિઝર્વ બેંકે આપી રાહત : હાલ સોના સામે ૭૫% લોન મળે છે હવે મળશે ૯૦% : ગોલ્ડ લોન હવે આકર્ષક બની : લોનની લીમીટ વધી : ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી મળશે વધુ લીમીટ

નવી દિલ્હી તા. ૬ : કોરોના સંકટ વચ્ચે ગોલ્ડ લોનની માંગમાં ખૂબ જ વધારો થયો છે. રિઝર્વ બેંકના આ બદલાયેલા ટ્રેન્ડને ધ્યાનમાં લીધો છે અને ગોલ્ડ લોન લેનારાઓને ખૂબ જ મોટી ભેટ મળી છે. આરબીઆઇએ ગોલ્ડ લોનને વધુ આકર્ષક બનાવી છે. પહેલા સોનાનું કુલ કિંમતની સરખામણીએ ૭૫ ટકા રકમની લોન મળતી હતી. હવે તેને ૯૦ ટકા સુધી વધારવામાં આવી છે. આ સુવિધા ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી જ છે.

કોરોના સંકટમાં લોકોએ ગોલ્ડ લોનનો ભરપૂર ઉપયોગ કર્યો છે. આ પ્રકારની લોનમાં ગોલ્ડ જ્વેલરીને જામીન તરીકે રાખીને લોન આપવામાં આવે છે. આ ઉપરાંત સોનાની વધતી કિંમત માર્કેટ માટે વરદાન સાબિત થઇ છે. કારણ કે લોકો તેના લીધે વધુ રકમની લોન માટે અરજી કરી રહ્યા છે.

સોનાની સામે ધિરાણ લેવાનું ચલણ ભારતમાં ઓછું છે પરંતુ સોનાના ભાવ વધતા હવે ગોલ્ડ લોન રેશિયો વધી રહી છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ

આજે મોનિટરી પોલિસી જાહેર કરી હતી. વ્યાજદરમાં કોઈ ફેરફાર શકિતકાંતા દાસે નથી કર્યા પરંતુ, ગોલ્ડ લોન મળી શકવાની સંભાવના વધારી છે.

આરબીઆઈએ ગોલ્ડ લોનના રેશિયોમાં વધારો કર્યો છે. ગોલ્ડ અને જવેલરી, ઓર્નામેન્ટ પર અગાઉ કુલ મૂલ્યના ૭૫% સુધી જ લોન બેંકો આપી શકતી હતી પરંતુ, હવે તમારા ઘરેણાં, સોનાની વેલ્યુએશનના ૯૦% સુધી લોન બેંકો આપી શકશે.

RBIએ આજે સુધારેલ નિયમોમાં કહ્યું કે કોરોનાને કારણે લોકોની આવક ઘટી છે. પ્રત્યક્ષ લોનને સ્થાને હવે લોકો મોર્ગેજ લોન લેવાનું વધુ પસંદ કરે છે અને સોનાના ઉંચા મૂલ્યને જોતા સેન્ટ્રલ બેંકે સામાન્ય નાગરિક, વેપારી-ટ્રેડરો અને નાના કારોબારીઓને રાહત આપવા ગીરવે મુકેલ સોનાના ઘરેણા અને જવેલરી માટેનો લોન ટૂ વેલ્યુ રેશિયો, LTV રેશિયો ૭૫%થી વધારીને હવે ૯૦% કર્યો છે.

આ રાહત ૩૧મી, માર્ચ ૨૦૨૧ સુધી આપવામાં આવી છે. નવા રેશિયો અંગેના નિયમોની ગાઈડલાઈન આજે સાંજ સુધી જાહેર કરવામાં આવશે, તેમ શકિતકાંતા દાસે ઉમેર્યું છે.

(3:15 pm IST)