Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

મહિલાનું કોરોનાથી મોત થયું અને કોઇ શબ પરથી સોનાની બંગડી ચોરી ગયું

ચેન્નાઇ તા. ૬ : કોરોના વાયરસે ભારત સહિત આખા વિશ્વમાં હાહાકાર મચાવી રાખ્યો છે. આ મહામારીથી ઉત્પન્ન થયેલા પડકારો અને જોખમોને પહોંચી વળવા માટે લોકો પૂરી સાવધાની રાખી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે, લોકોમાં કોરોનાથી ડર પણ ભરાઈ ગયો છે. લોકો કોરોના સંક્રમણથી બચવા માટે અનેક નુસ્ખા અપનાવી રહ્યા છે. સાથે સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન પણ કરી રહ્યા છે. થોડાં દિવસ પહેલા એક એવી ખબર સામે આવી હતી કે, એક કોરોનાના દર્દીનું હોસ્પિટલ લઈ જતી વખતે મોત થઈ ગયું તો સ્વાસ્થયકર્મીઓ કોરોનાના દર્દીને એમ્બ્યુલન્સમાં છોડીને જ ભાગી છૂટ્યા હતા પરંતુ, કોયમ્બતુરથી એક અજીબોગરીબ અને શરમજનક ઘટના સામે આવી છે. અહીં કોરોનાના કારણે એક મહિલાનું મોત થઈ ગયું, તો એ મૃત મહિલાના હાથમાંથી કોઈ સોનાની બંગડીઓ ચોરીને લઈ ગયુ.

મીડિયા રિપોર્ટ મુજબ, મૃતક મહિલા ૬૦ વર્ષની હતી. સોમવારની વાત છે. કોયમ્બતુરની મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં મહિલાને સવારે ૩ વાગ્યે એડમિટ કરાવવામાં આવી હતી. જયાં સુધી તેની હાલત ખરાબ નહોતી ત્યાં સુધી તેની દીકરી તેની સાથે જ હતી.

અચાનક મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને સવારે ૪ વાગ્યે મહિલાનું મોત થઈ ગયુ હતું. જયારે તેની દીકરી વોર્ડમાં ગઈ તો માતાના હાથની સોનાની બંગડી ગાયબ હતી. મહિલાની દીકરીએ ડોકટરને વાત કરી તો ડોકટરે પોલીસમાં ફરિયાદ કરવાની સલાહ આપી. ત્યારબાદ મહિલાની દીકરીએ રેસ કોર્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મહિલાની પુત્રીની ફરિયાદ બાદ પોલીસ ચોરને શોધી રહી છે, પરંતુ અત્યાર સુધી ચોરની જાણકારી મળી શકી નથી.

(12:58 pm IST)