Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

RBIની નાણાકીય પોલીસી

EMI ઘટવાની આશા ઉપર પાણી ફરી વળ્યું : લોન મોરેટોરિયમ અંગે સસ્પેન્સ

તમામ વ્યાજદરો યથાવત : ૩૧ ઓગસ્ટ પછી ભરવો પડશે લોનનો હપ્તો ? હજુ કોઇ નિર્ણય નહિ

નવી દિલ્હી તા. ૬ : રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી સમિતિની બેઠક સાથે સમાપ્ત થઇ છે. ગવર્નર શકિતકાંત દાસે પત્રકાર પરીષદ યોજીને તમામ જાણકારી આપી છે. રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી કે રિવર્સ રેપો રેટમાં પણ કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. એનો અર્થ એ થયો કે ઇએમઆઇ કે લોનના વ્યાજદરોમાં નવી કોઇ રાહત મળશે નહિ. ગવર્નર શકિતકાંત દાસે કહ્યું કે, રેપો રેટને ૪ ટકા અને રિવર્સ રેપો રેટને ૩.૩ ટકા પર યથાવત રાખ્યો છે.

શકિતકાંત દાસે કહ્યંુ કે, મોનીટરી પોલીસી અંગે આક્રમક વલણ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી તેની જરૂરીયાત હશે. અમે ગ્રોથમાં તેજી લાવવા માટે ભરપૂર પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારા પ્રયત્નો છે કે કોરોનાની અસરને ઓછી કરવામાં આવે. આ ઉપરાંત અમારી નજર મોંઘવારી દર પર પણ છે. રિઝર્વ બેંકે ૪ ટકાનું લક્ષ્ય પ્લસ - માઇન્સ ૨ ટકાનું લક્ષ્ય રાખ્યું છે.

રીઝર્વ બેંકના કામકાજ અંગે શકિતકાંત દાસે કહ્યું કે અમે વિષમ પરિસ્થિતિમાં સતત કામ કરી રહ્યા છીએ.

આરબીઆઇ વિશ્વની એક જ એવી બેંક હશે જેને કર્મચારીઓની સુરક્ષા માટે સ્પેશ્યલ કવોરોન્ટાઇન ફેસિલીટી સેટઅપ તૈયાર કરી છે. એવું એટલે કરાયું જેથી મહત્વપૂર્ણ કામકાજમાં પણ કોઇ પણ પ્રકારની સમસ્યા આવે નહીં.

તેમણે કહ્યું કે ગ્લોબલ ઈકોનોમી નબળી છે જો કે વિદેશી મુદ્રા ભંડારમાં વધારાનો સિલસિલો ચાલુ છે. વધુમાં તેમણે કહ્યું કે રિટેલ મોંઘવારી દર નિયંત્રણમાં છે તેમના મતે બીજા સત્રના ૬ મહિનામાં મોઘવારીનો દર ઓછો થઈ શકે છે.

દાસના મતે દેશની અર્થવ્યવસ્થા પાટા પર ચઢી રહી છે. સારી બાબત એ છે કે ગ્રામીણ ઈકોનોમીમાં રિકવરી છે. દાસે ફરી એકવાર કહ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં જીડીપી ગ્રોથ રેટ નેગેટિવ રહેશે. આ દરમિયાન શેર બજારમાં તેજી યથાવત ચે. ૧૨ વાગ્યા બાદ સેન્સેકસ ૨૦૦ અંક મજબૂત અને નિફટી ૧૧,૧૫૦ અંક આગળ વ્યવસાય ચાલુ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકના મૌદ્રિક નીતિ સમીક્ષાની આ ત્રીજી બેઠક હતી. આ પહેલા કોરોનાને લીધે ૨ વાર બેઠક યોજાયી ચૂકી છે. એસબીઆઈએ એક શોધ રિપોર્ટ મુજબ બેંકોના નવા વ્યાજ દરમાં કાપ મુકયો છે.

(2:52 pm IST)