Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ચીનને વધુ એક ફટકો: ભારતીય કંપનીએ સ્માર્ટ મીટરનો કોન્ટ્રાક્ટનો કરાર રદ્દ કર્યા

હવે મિટરની ખરીદી માટે નવી કંપની શોધવી પડશે.

નવી દિલ્હી: ભારત સરકારે ચાઈનિઝ મૂળિયા ધરાવતી કંપનીને અપાયેલો સ્માર્ટ મિટરનો કોન્ટ્રાક્ટ રદ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આયોજન પ્રમાણએ ૨૦૨૨ સુધીમાં સમગ્ર દેશમાં વીજળીના સ્માર્ટ મિટર ફીટ કરી દેવાના છે. આ માટેની મિટરની ખરીદીનો કોન્ટ્રાક્ટ પીટી હેક્સિંગ કંપની સાથે થયો હતો. આ કંપની ભારતને ૨૦ લાખ સ્માર્ટ મિટર પુરા પાડવાની હતી. સરકાર સંચાલિત એનર્જી એફિશિયન્સી સર્વિસ લિમિટેડ દ્વારા દેશભરમાં આ મિટર ફીટ થતાં હતા. હવે મિટરની ખરીદી માટે નવી કંપની શોધવી પડશે.

પીટી હેક્સિંગ ઈન્ડોનેશિયા અને ચીન બન્ને સ્થળોએ હેડ ક્વાર્ટર ધરાવે છે. તેના ચાઇનિઝ કનેક્શનને કારણે સરકારે તેનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે. ઉપરાંત નવા ટેન્ડરમાં આવી ચીની કંપનીઓ ભાગ ન લઈ શકે એ માટે સાવધાની રખાશે.

સરકારી સુત્રોએ જોકે જણાવ્યું હતું કે મિટર ભારતની જરૂર પ્રમાણેેના ન હોવાથી સોદો રદ કરાયો છે. હવે ભારતને ઓછામાં ઓછા ૩૦ લાખ નવા મિટરની જરૂર પડવાની છે. એ માટે નવું ટેન્ડર બહાર પડશે. ભારતમાં વીજ ચોરીનો મોટો પ્રશ્ન ઉકેલવા માટે સરકારે સોફ્ટવેર અને કમ્યુનિકેશન સિસ્ટમ ધરાવતા સ્માર્ટ મિટર લગાવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ સોફ્ટવેર ફીટ થયેલું હોવાથી આવા મિટર વાઈરસ કે માલવેરનો ભોગ બને એવી પણ શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી હતી.

(11:51 am IST)