Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

અમદાવાદની આગના પડઘા દિલ્હી સુધી પડયા : PM મોદીએ લીધી ગંભીર નોંધ : રૂપાણી સાથે રહ્યા સીધા સંપર્કમાં : ટ્વીટ કરી દુઃખ વ્યકત કર્યું

પીએમ મોદીએ જરૂરી તમામ સેવા પુરી પાડવા તેમજ મૃતકોના પરિવારને આશ્વાસન આપ્યું

અમદાવાદ તા. ૬ : અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના બની..આ  હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. આઈસીયુમાં લાગેલી આગમાં કોરોનાના આઠ દર્દીના મોત થય. જેમા પાંચ પુરૂષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ થયા છે. તો વળી આગની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને એસવીપીમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટના અંગે પીએમ મોદીએ પણ ટ્વિટ કર્યું છે.

પીએમ મોદીએ પણ આગની ઘટના અંગે ટ્વિટ કરી મૃતક પ્રત્યે શોક વ્યકત કર્યો છે. પીએમ મોદીએ અમદાવાદના મેયર બિજલબહેન પટેલ અને રાજયના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે વાતચીત કરી છે. પીએમ મોદીએ જરૂરી તમામ સેવા પુરૂ પાડવા તેમજ મૃતકોના પરિવારને આશ્વાસન આપ્યુ છે.

શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા દર્દીના પરિવારમાં આક્રોશ જોવા મળ્યો.. પરિવારના સભ્યોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યુ હતુ. પરિવારનો આક્ષેપ છે કે, હોસ્પિટલ દ્વારા સારવાર માટે પાંચ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. પરિવારના આક્રોશના કારણે હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરી દેવામાં આવી હતી. તો રાજય સરકારના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા.

મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે, તેમણે આ બનાવની તપાસ માટે રાજયના વરિષ્ઠ આઇએએસ અધિકારી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પૂરીની નિયુકિત કરી છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીશ્રી એ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ ૩ દિવસમાં કરીને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિત નો અહેવાલ રાજય સરકારને આપવા સૂચનાઓ પણ આપી છે.

(11:35 am IST)