Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

કોરોના કાળમાં આફતની આગ : ભયંકર બેદરકારી

અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગઃ ૮ના મોત

હોસ્પિટલમાં કોરોનાના ૪૦ દર્દીઓ સારવાર હેઠળ હતા જેમાંથી ૫ પુરૂષ - ૩ મહિલા જીવતા ભુંજાઇ ગયા : રાત્રે ૩.૩૦ કલાકે આગ લાગી'તી : શોર્ટ સર્કિટ કારણ : તપાસના આદેશોઃ વડાપ્રધાને મૃતકોના પરિવારને : ૨ લાખની સહાય જાહેર કરી : ઇજાગ્રસ્તોને ૫૦ હજાર આપવામાં આવશેઃ દર્દીઓના સગા શ્રેય હોસ્પિટલ પહોંચ્યાઃ માહિતી ના મળતા મચાવ્યો હોબાળોઃ દર્દીઓના સગા ગુસ્સામાં આવી જતા તેમણે બૂમાબૂમ પણ કરી હતી : ત્રણ દિવસમાં રીપોર્ટ રજૂ કરવા કહ્યું : આગની ઘટનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

અમદાવાદ તા. ૬ : કોરોના કાળ વચ્ચે લોકો સૌથી વધુ વિશ્વાસ હોસ્પિટલ્સ પર રાખતા થયા છે. પરંતુ, અમદાવાદમાં આ વાત ઠગારી સાબિત થઇ છે. ગઇકાલે રાત્રે બનેલી એક ગોઝારી ઘટનામાં અમદાવાદની એક હોસ્પિટલમાં કોરોના દર્દીઓએ મોતને ભેટવાનો વારો આવ્યો. આ તમામ દર્દીઓ કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આ કોરોના દર્દીઓના કોરોનાને કારણે મોત નથી થયા.પરિવારજનોના આક્રંદ વચ્ચે હાલમાં અહીથી મોતને ભેટેલા કમનસીબોની લાશોને બહાર લવાઈ રહી છે. હોસ્પિટલમાં દર્દીઓના મોત થયા છે. તમામ હોસ્પિટલનો સ્ટાફ બચી ગયો છે.આ આગમાં કોરોનાના દર્દી એવા ૫ પુરુષ અને ૩ મહિલા સહિત ૮ દર્દીના મોત થયાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે. એવું પણ મનાય છે કે, આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે.

ઘટના એવી છે કે, અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાત્રે ભીષણ આગની ઘટના બની હતી. આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. શ્રેય હોસ્પિટલના આઈસીયુમાં લગભગ ૩.૪૫ કલાકે મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાના ૮ દર્દીના મોત થયા છે. મૃતકોમાં ૫ પુરૂષ અને ૩ મહિલાઓનો સમાવેશ થયા છે. આગની ઘટનાને કારણે હોસ્પિટલમાં દાખલ અન્ય ૪૦ દર્દીઓને અન્ય કોરોના હોસ્પિટલમાં શિફટ કરવામાં આવ્યા છે.

અમદાવાદ જીવલેણ કોરોના વાયરસના આ કહેર વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના બની છે. આ  હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. હોસ્પિટલના ચોથા માળે આજે વહેલી સવારે આગ લાગી હતી. આ ઘટના સમયે હોસ્પિટલમાં ૪૦ દર્દીઓ સારવાર હેઠળ હતા. જેમાં આઠ લોકો જીવતા ભૂંજાઈ ગયા છે. કોરોનાથી બચવા જીવ બચાવવા હોસ્પિટલમાં ગયા હતા પણ અહીં લાગેલી આગે કોરોનાથી પણ ભયંકર મોત અપાવ્યું છે. બાકીના ૪૧ લોકોને એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે સીએમ રૂપાણીએ પણ તાત્કાલિક જવાબદારો સામે તપાસના આદેશ આપ્યા છે. વહેલી સવારે આગ લાગી હોવા છતાં ૭ વાગ્યા બાદ અધિકારીઓ હોસ્પિટલે પહોંચ્યા હતા.ઘટના અંગે પરિવારજનોને પણ મીડિયા મારફતે મળી હતી.પરિવારજનો આ ઘટના બાદ દોડી આવ્યા હતા.જોકે, તેમના પરિવારજન જીવતા છે કે ઘટનાનો ભોગ બન્યા છે તે અંગેની પણ કોઈ વિગતે મળી ન હતી.

સમગ્ર મામલે સવાલ એ ઉઠે છે કે શું હોસ્પિટલ પાસે ફાયર સેફટીના સાધનો ન હતા? અને હતા તો તેનો ઉપયોગ કેમ ન કરાયો? મળતી માહિતી મુજબ હોસ્પિટલ પાસે ફાયર સેફટીના સાધનો હતા. જોકે, આ સાધનો એકસપાયરી ડેટના હોવાથી શોભાના ગાંઠિયા સમાન બની ગયા. પરિવારજનોના રૂદથી લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. પરિવારજનોના જીવ બચાવવા માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. જયાં ભયંકર મોત મળ્યું હતું. ઘટનાના ૩ કલાક બાદ તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટના બાદ સીએમઓએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા અને જવાબદારો સામે પગલા ભરાશે.

આગની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને એસવીપીમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કોરોનાની મહામારીના કારણે શ્રેય હોસ્પિટલને કોવિડ-૧૯ જાહેર કરાઈ હતી.

મળતી માહિતી પ્રમાણે આઈસીયુમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી. તો ફાયર વિભાગે ભારે જહેમત બાદ આઈસીયુમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જયારે આગની ઘટનામાં મૃત્ય પામેલા લોકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

મૃતકોની યાદી

-  નરેન્દ્રભાઈ શાહ, ધોળકા

-  મનુભાઈ રામી, મેમનગર

-  લીલાવતીબેન શાહ, વાસણા

-  અરવિંદભાઈ ભાવસાર, મેમનગર

-  નવનીતલાલ શાહ, ધોળકા

-  આરીફ મન્સુરી, વેજલપુર

-  આયીશાબેન તીરમીજી, પાલડી

-  જયોતિબેન સિંધી, ખેરાલુ

 

(11:08 am IST)