Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

૮૦ ટકા વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશનમાં બિલકુલ રસ નથી

નવી દિલ્હી તા. ૬ : વૈશ્વિક મહામારી કોરોને ગુજરાત સહિત સમગ્ર વિશ્વને પોતાના રાક્ષસી સકંજામાં જકડી રાખ્યું છે અને લોકો લાંબો સમય સુધી ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. અનલોક ૩ માં ઘણી બધી છૂટછાટ આપવામાં  આવી છે. પરંતુ હજુ પણ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા પર પાબંધી છે. જેને લઈને વિદ્યાર્થીઓના હીતને ધ્યાનમાં રાખીને રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી સરકારી, ગ્રાન્ટેડ કોલેજોમાં ઓનલાઈન એજયુકેશન આપવામાં આવી રહ્યું છે.

કોરોના સંક્રમણ વચ્ચે આ સ્થિતિમાં સરકારના જુદા જુદા વિભાગો દ્વારા જાહેર કરવામાં આવેલ ઓનલાઈન એજયુકેશનના છેલ્લા મહિનાની આંકડાકીય વિગતો પ્રમાણે ઓનલાઈન એજયુકેશનમાં માત્ર ૨૦ ટકા વિદ્યાર્થી જ રસ દાખવતા હોવાની વિગતો બહાર આવી રહી છે.

રાજયમાં ૨૦મી જુલાઈથી ઓનલાઈન એજયુકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અનલોક-૩માં પણ કોલેજો શરૂ થશે કે કેમ તે મુદ્દે સરકાર દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. યુનિવર્સિટીના પ્રોફેસરોના કહ્યા પ્રમાણે, રાજયની ટેકનીકલ યુનિવર્સિટીને બાદ કરીએ તો બાકીની તમામ યુનિ.ઓ સાથે જોડાયેલી કોલેજોમાં અંદાજે ચારથી પાંચ લાખ વિદ્યાર્થી અભ્યાસ કરે છે આ સ્થિતિમાં ઓનલાઈન એજયુકેશન લઈ રહેલા વિદ્યાર્થીઓના છેલ્લા મહિનાની આંકડાકીય વિગતો પ્રમાણે ૮૨,૧૯૭ વિદ્યાર્થીએ ઓનલાઈન કલાસમાં અભ્યાસ કરવા માટે રસ દાખવ્યો છે.આ પ્રમાણે ગણતરી કરવામાં આવે તો માત્ર ૨૦ ટકા વિદ્યાર્થીઓએ પણ ઓનલાઈન એજયુકેશનમાં રસ દાખવ્યો નથી તેવુ પ્રતિત થાય છે.

(9:38 am IST)