Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

આશ્ચર્યમ : ડાયનાસૌરને પણ કેન્સર જેવો રોગ થતો હતો

રિસર્ચમાં આશ્ચર્યજનક બાબાત સાબિત થઈ : શાકાહારી ડાયનાસોરનું આ હાડકું ઓસ્ટિયોસારકોમાના કારણે ખરાબ થયું હોવાનો રિસર્ચમાં ઘટસ્ફોટ

ન્યૂયોર્ક,તા. ૫ : અત્યાર સુધી એવું મનાતું હતુંકે, ફક્ત માણસને જ કેન્સરનો રોગ થાય છે. જોકે પહેલીવાર એક રિસર્ચમાં સાબિત થયું છે કે ઐતિહાસિક પ્રાણી કહેવાતા એવા ડાયનાસોરને પણ કેન્સર થતું હતું. ૭.૬ કરોડ વર્ષ જૂના ડાયનાસરોના જે હાડકાંને ફ્રેક્ચર સમજવામાં આવી રહ્યું હતું, જે હવે મેલિગનેન્ટ કેન્સર હોવાનું સામે આવ્યું છે. આ હાડકું વર્ષ ૧૯૮૯માં કેનેડાના અલ્બર્ટામાં ડાયનાસોરના અવશેષ તરીકે મળી આવ્યું હતું. લેન્સેટ ઓક્નોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં જણાવ્યાનુસાર, શાકાહારી ડાયનાસોરનું આ હાડકું ઓસ્ટિયોસારકોમાના કારણે ખરાબ થયું હતું. આ હાડકાંનું એડવાન્સ કેન્સર ગણાય છે. અત્યાર સુધી તેને ખરાબ થઈ ગયેલું હાડકું જ સમજવામાં આવતું હતું. પરંતુ તેમાં થયેલું ટ્યૂમર સફજનના કદથી પણ મોટું છે. ટોરન્ટો સ્થિત રોયલ ઓન્ટારિયો મ્યૂઝિયમના પેલેઓન્ટોલોજિસ્ટ ડેવિડ ઇવાન્સના જણાવ્યા અનુસાર, હાડકું ૬ મીટર લાંબું છે. આ હાડકું ક્રેટેશિયસ સમયગાળાનું છે

          જ્યારે ચાર પગવાળા ડાયનાસોર શાકાહારી હતા. આ હાડકું તેના નીચેના પગનું છે. તેમાં જોવા મળેલ ગાંઠ એ એડવાન્સ્ડ સ્ટેજની છે અને તે સફરજન કરતાં મોટી છે. લેન્સેટ ઓક્નોલોજી જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, ૭.૬ કરોડ વર્ષ જુના સેંટોરસોરસ ડાયનાસોર મૃત્યુ પહેલાં કેન્સરના કારણે બહુ નબળું પડી ગયું હતું. રિસર્ચમાં એવી વાત જાણવા મળી છે કે ડાયનાસોરને એવા ઘણા રોગો થયા હશે જે સામાન્ય રીતે મનુષ્ય અને અન્ય પ્રાણીઓમાં હોય છે. તેનું એક ઉદાહરણ ડાયનાસોરમાં જોવા મળેલું કેન્સર છે. તેઓ આ પૃથ્વી પર અન્ય પ્રાણીઓની જેમ જીવતા હતા અને તેમને પણ અકસ્માત અને રોગોનો સામનો કરવો પડ્યો હતો. ઓન્ટારિયો યુનિવર્સિટીના સંશોધકો ડો. માર્ક ક્રાઉથરના જણાવ્યા અનુસાર, કેટલીક ગાંઠો સોફ્ટ ટિશ્યૂમાં હોય છે, જે સરળતાથી અવશેષોમાં ફેરવાતી નથી. તેથી, અમને અવશેષોમાંથી કેન્સર હોવાના પૂરાવા મળ્યા છે. રિસર્ચમાં જાણવા મળેલી બાબતોથી એ પરિણામ નીકળે છે કે, કેન્સર એ કોઈ નવી બીમારી નથી, તેની સાથે સંકળાયેલા કોમ્પ્લિકેશન પ્રાણીઓમાં પણ જોવા મળે છે.

(12:00 am IST)