Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

લાલકૃષ્ણ-મુરલી જોશીની ગેરહાજરી ભાજપના પૂર્વ સાંસદ નારાજ

રામમંદિર ભૂમિપૂજન કાર્યક્રમ પણ વિવાદથી ખરડાયો : કોરોનાના ભયે વયોવૃદ્ધ નેતાઓને કાર્યક્રમથી દૂર રખાયા

અયોધ્યા, તા. ૫ : ભાજપના ભૂતપૂર્વ સાંસદ વિનય કટિયારે આજે સવારે અહીં એવો અણિયાળો સવાલ કર્યો હતો કે રામ મંદિરના ભૂમિપૂજન પ્રસંગે પક્ષના વડીલ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીજી કેમ અહીં હાજર નથી? આ બંને વડીલ નેતાઓની હાજરી આજે અહીં અનિવાર્ય ગણાય. રામ મંદિરના આંદોલનના પાયામાં આ નેતાઓ હતા એટલે આજે તેઓ અહીં હાજર રહેવા જોઇતા હતા. ઉલ્લેખનીય છે કે અડવાણીજી અને જોશીજી બંને ખાસ્સા વયોવૃદ્ધ છે અને હાલ કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે તેથી આ બંને નેતાઓ ઉપરાંત ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તેમજ ભાજપના નેતા કલ્યાણ સિંઘ ઉપરાંત ઉમા ભારતીને એવી સલાહ આપવામાં આવી હતી કે તમે જોખમ લેતાં નહીં. ઉમા ભારતીએ તો આ સંદર્ભમાં સોમવારેજ આજના સમારોહના આયોજકોને જણાવી દીધું હતું કે હું સમારોહમાં હાજર નહીં રહું, સરયૂ તીરે હાજરીઆપીશ. વડા પ્રધાન ભૂમિપૂજન કરીને પાછા જાય ત્યારબાદ હું રામલલાના દર્શન કરવા આવીશ.

જોકે, વિનય કટિયારને આ વાત સમજાવવામાં આવી છતાં એ નારાજ થયા હતા અને રોષ વ્યક્ત કરતા શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમણે કહ્યું કે અડવાણીજી અને જોશીજીને અહીં હાજર રહેવા સમજાવી લેવા જોઇતા હતા. તેમણે કહ્યું કે કોરોરાના વાઇરસ બાબતે હું પણ જાણું છું. પરંતુ કોઇ પણ કિંમતે એમને અહીં હાજર રહેવા સમજાવી લેવા જોઇતા હતા. એમને અહીં લાવવાની ખાસ વ્યવસ્થા કરવાની જરૂર હતી. એમને સ્પેશિયલ ફ્લાઇટ મોકલીને અહીં લાવવા જોઇએ એવું હું માનું છું. આજના કાર્યક્રમના આયોજકોએ જાહેરમાં એવી અપીલ કરી હતી કે ૮૦થી ૯૦ વર્ષના જે લોકો અયોધ્યા આવશે તેમને માટે વ્યવસ્થા કરવાનું મુશ્કેલ થઇ પડશે એટલે બહુ વૃદ્ધજનોએ બને તો અહીં આવવાનું ટાળવું.

(12:00 am IST)