Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

મહારાષ્ટ્ર સરકાર અનામત પ્રક્રિયા નવેમ્બર સુધીમાં પુરી કરશે : દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ તા. ૬ : મહારાષ્ટ્ર રાજયમાં સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં મરાઠા સમાજ માટે ૧૬ ટકા બેઠકો અનામત રાખવા મામલે હાલ મરાઠા લોકો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે જનતાજોગ કરેલા સંબોધનમાં કહ્યું કે અનામત અંગે અગાઉ નક્કી કરાયેલા કવોટામાં કોઈ ફેરફાર કરાશે નહીં. આરક્ષણ પ્રક્રિયા આ વર્ષના નવેમ્બર પહેલા પૂરી કરવામાં આવશે.

ફડણવીસે કહ્યું કે, અનામત મામલે રાજયમાં તરુણો દ્વારા થઈ રહેલી આત્મહત્યાની ઘટનાઓ અત્યંત પીડાદાયક છે.

હાલનો સમય રાજકીય કાદવઉછાળ પ્રવૃત્તિ માટેનો નથી, પણ મરાઠા સમાજની સમસ્યા ઉકેલવાનો છે. અમુક મુઠ્ઠીભર લોકોનાં હિંસક આંદોલનને કારણે રાજયની પ્રતિષ્ઠાને લાંછન લાગે છે, એમ પણ ફડણવીસે કહ્યું.

મરાઠા આંદોલનકારીઓને દેખીતી અપીલ કરતાં ફડણવીસે કહ્યું કે સરકાર સાથે ચર્ચા ન કરવાની ભૂમિકા લેશો નહીં. કોઈ પણ વિષય પર ચર્ચા કરીને નિવેડો લાવી શકાય છે, તેથી ચર્ચા કરો. સરકારી કોઈ ભૂલ થઈ હોય તો એ બતાવો. અમે એ સુધારીશું, એમ પણ મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું છે.

કોઈ પણ જાતિ કે સમાજને અન્યાય થવા નહીં દેવાય તેથી મરાઠા સમાજને પણ ન્યાય કેવી રીતે આપવો એ વિશે પ્રયત્નો ચાલુ છે. નવેંબર સુધીમાં અહેવાલ આવી જશે. તેથી હિંસા કરવી અયોગ્ય છે, આત્મહત્યાઓ કરો નહીં, એવી અપીલ ફડણવીસે કરી છે.

માલમત્તાનું રક્ષણ કરવાની છત્રપતિ શિવાજી મહારાજની એક ભૂમિકા રહી હતી. છત્રપતિની વિચારધારાને આધારે રાજયનું સંચાલન કરવાની આપણી પરંપરા રહી છે, એમ ફડણવીસે એમના સંબોધનમાં વધુમાં કહ્યું.

(4:14 pm IST)