Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

લોકોને 'મામા' બનાવતી જાહેરાતો ઉપર અંકુશ મુકાશે

આયુષ મંત્રાલયે તૈયાર કર્યો કડક કાયદોઃ ૨ માસમાં ટાલીયાપણુ દૂરઃ ૩૦ દિવસમાં ૫૦ કિલો વજન ઘટશે એવી ભ્રામક જાહેરાતો કરી નહિ શકાય

નવી દિલ્હી, તા. ૬ :. આયુર્વેદથી બે મહિનામાં ટાલથી છૂટકારો મેળવો, ૩૦ વર્ષ જૂની હાડકાની બિમારી મટી શકે અને હોમીયોપથીથી ચામડીના રોગથી મુકિત મેળવો, ખાલી ૩૦ દિવસમાં ૫૦ કિલો વજન ઘટાડો જેવી ભ્રામક જાહેરાતો વિરૂદ્ધ આયુષ મંત્રાલયે સખ્તાઈથી કામ લેવાની તૈયારી કરી લીધી છે. આ માટે મંત્રાલયે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેના દ્વારા દવા અને કોસ્મેટીક કાયદામાં નવા નિયમો ઉમેરવામાં આવશે. આ નવા કાયદા તૈયાર કરવા માટે આ પ્રસ્તાવને મંત્રાલયમાં મોકલી દેવાયો છે.

આયુષ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, ઘણીવાર મંત્રાલયને ફરીયાદો મળી છે કે એક લાખ રૂપિયાનો ખર્ચ કર્યા પછી માથા પર વાળ નથી આવ્યા. કેટલાય લોકોએ દવા લીધા પછી તેમને બીજી બિમારીઓ થઈ હતી.

આવી ફરીયાદોના આધારે આયુષ મંત્રાલયે આયુષ ચિકિત્સા પદ્ધતિની આડ લઈને ભ્રામક જાહેરાતો આપનાર વિરૂદ્ધ કડક કાર્યવાહીનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે.

મંત્રાલય અનુસાર ઘણીવાર એવી જાહેરાતો પણ જોવા મળે છે જે હોળી, દિવાળી જેવા તહેવારો પર દર્દીઓને ઈલાજમાં ઓફર આપે છે. ૩૦ થી ૫૦ હજાર રૂપિયાની ઓફરો આપીને આ કંપનીઓ દર્દીઓને આકર્ષિત કરે છે. અત્યાર સુધી આવી જાહેરાતોને રોકવા માટે કોઈ કાયદો નથી એટલા માટે જ કાનૂન મંત્રાલય આવો કાયદો બનાવવા માગે છે.(૨-૨)

(10:36 am IST)