Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

કોરોનામાં ડોલો-650 ટેબલેટ સૈાથી વધુ વેચાઇ: ફાર્મા કંપનીના 40 સ્થળો પર આઇટીના દરોડા

આયકર વિભાગે ડોલો 650 ટેબલેટ બનાવતી માઈક્રો લેબ્સ કંપનીના દિલ્હી, બેંગ્લોર સહિત કુલ 40 અલગ-અલગ સ્થળો પર દરોડા પાડ્યા

 નવી દિલ્હી :આયકર વિભાગે ડોલો 650 ટેબલેટ બનાવતી માઈક્રો લેબ્સ કંપની પર દરોડા પાડ્યા હતા. વિભાગે દિલ્હી, બેંગ્લોર સહિત કંપનીના કુલ 40 અલગ-અલગ સ્થળો પર દરોડા પાડ્યા છે. માઈક્રો લેબ્સ કંપની પર ટેક્સ ચોરીનો આરોપ છે. આ કંપનીએ છેલ્લા બે વર્ષમાં જ્યારે દેશ લોકડાઉન હેઠળ હતો ત્યારે સૌથી વધુ સંખ્યામાં ડોલો 650 ટેબલેટ વેચ્યા હતા . પ્રાપ્ત માહિતી અનુસાર, કંપનીએ કોવિડ દરમિયાન દેશભરમાં ડોલો 650ના કુલ 350 કરોડ ટેબલેટનું વેચાણ કર્યું હતું, જેના કારણે કંપનીને 400 કરોડ રૂપિયાનો નફો થયો હતો. કંપની પર કરચોરીના આરોપો વચ્ચે આવકવેરા વિભાગે સીએમડી દિલીપ સુરાના અને ડિરેક્ટર આનંદ સુરાનાના અનેક સ્થળો પર પણ દરોડા પાડ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આવકવેરા વિભાગે કંપનીના સીએમડી દિલીપ સુરાના અને ડિરેક્ટર આનંદ સુરાનાના ઘરે પણ દરોડા પાડ્યા છે. આ દરમિયાન અધિકારીઓને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ મળ્યા છે.

ડોલો-650 દવાનું ઉત્પાદન કરતી કંપની માઇક્રો લેબ્સ લિમિટેડ પર કરચોરીનો આરોપ છે. આવકવેરા વિભાગે કરચોરીના આરોપમાં કંપનીની બેંગલુરુ સ્થિત ઓફિસ પર દરોડા પાડ્યા છે. આ દરોડામાં આવકવેરા વિભાગના 20 અધિકારીઓ સામેલ છે. આપને જણાવી દઈએ કે હાલમાં સમગ્ર દેશમાં માઈક્રો લેબ્સ લિમિટેડ કંપનીના 40 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરોડા માટે આવકવેરા વિભાગના 200 કર્મચારીઓ કામે છે. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હી સિવાય આ બેઝમાં સિક્કિમ, પંજાબ, તમિલનાડુ અને ગોવા સામેલ છે.

(11:17 pm IST)