Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

દેશની ત્રણ એરલાઇન્સમાં મુસાફરોની સલામતી અંગે પ્રશ્નો સર્જાયા: વિસ્તારા પ્લેનમાં એન્જિન ફેલ: સ્પાઇસ જેટમાં ૧૮ દિવસમાં ૮ વખત તકલીફો સર્જાઈ; ઈન્ડિગો પ્લેનમાં ધુમાડો નીકળ્યો

નવી દિલ્હી :  દેશમાં કાર્યરત એરલાઈન્સમાં મુસાફરોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.  દેશની ત્રણ મોટી એરલાઈન્સ વિસ્તારા, સ્પાઈસ જેટ અને ઈન્ડિગોના વિમાનોમાં છેલ્લા બે દિવસમાં સતત ગરબડ જોવા મળી રહી  હોવાનું હિન્દી અખબાર દૈનિક ભાસ્કર નોંધે છે.

આ અહેવાલ મુજબ વિસ્તારા એરલાઈન્સની બેંગકોકથી દિલ્હી ફ્લાઈટના એન્જિનમાં બુધવારે ફેઈલ થઈ ગયું હતું.  દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર એક જ એન્જીન વડે વિમાને લેન્ડિંગ કર્યું હતું.  વિસ્તારાની  ફ્લાઇટ એરબસ એ-૩૨૦ એરક્રાફ્ટ પર ચલાવવામાં આવી રહી હતી.  મળતી માહિતી મુજબ પ્લેનના એન્જિનની ઇલેક્ટ્રિક સિસ્ટમમાં ખામી સર્જાતા આખું એન્જિન ફેલ થઈ ગયું હતું.  જો કે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી
મંગળવારે ઈન્ડિગો એરલાઈનની રાયપુર-ઈન્દોર ફ્લાઈટમાં ધુમાડો જોવા મળ્યો હતો.  ડીજીસીએ  અધિકારીઓએ માહિતી આપી છે કે વિમાનના ક્રૂએ ઈન્દોર એરપોર્ટ પર ઉતર્યા બાદ કેબિનમાં ધુમાડો જોયો હતો.  પ્લેન તે સમયે ટેક્સી વે  ઉપર હતું.  ઈન્ડિગોની આ ફ્લાઈટ એરબસ એ-૩૨૦ નિયો એરક્રાફ્ટથી ઓપરેટ કરવામાં આવી રહી હતી.  આ ઘટનામાં પણ કોઈ મુસાફરને ઈજા થઈ નથી.

સ્પાઇસ જેટના વિમાનોમાં છેલ્લા ઘણા દિવસોથી ટેકનિકલ ખામીઓ છે.  છેલ્લા ૧૮ દિવસમાં જ કંપનીના એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીના ૮ કેસ નોંધાયા છે.  ત્રણ કેસ એકલા મંગળવારના છે.  ડીજીસીએએ કંપનીના વિમાનોમાં સતત સુરક્ષા ક્ષતિઓને ધ્યાનમાં રાખીને કારણ બતાવો નોટિસ મોકલી છે.  સ્પાઇસજેટને ત્રણ સપ્તાહમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હોવાનું આ અહેવાલમાં જણાવ્યું છે.

આ મામલે ડીજીસીએ એ કહ્યું કે સ્પાઈસજેટ ૧૯૩૭માં બનેલા એરક્રાફ્ટ નિયમો હેઠળ સુરક્ષિત, સારી અને ભરોસાપાત્ર સેવાઓ આપવામાં નિષ્ફળ રહી છે.  સપ્ટેમ્બર ૨૦૨૧ માં ડીજીસીએ દ્વારા હાથ ધરવામાં આવેલા સ્પાઈસજેટના ઓડિટમાં બહાર આવ્યું હતું કે કમપોનન્ટ સપ્લાયરોને સમયસર ચૂકવણી કરવામાં આવતી ન હતી, જેના કારણે સ્પેરપાર્ટ્સની અછત સર્જાઈ હતી.  ડીજીસીએ દ્વારા સ્પાઇસજેટને નોટિસ મોકલ્યા બાદ ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે મુસાફરોની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે

(8:30 pm IST)