Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

1984 ની સાલના શીખ વિરોધી રમખાણો : કોંગ્રેસ નેતા સજ્જન કુમારને જામીન આપવાના નીચલી કોર્ટના આદેશ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટનો સ્ટે : આગામી સુનાવણી 15મી જુલાઈના રોજ

ન્યુદિલ્હી : દિલ્હી હાઈકોર્ટે સોમવારે 1984ના રમખાણો સાથે જોડાયેલા અને હત્યાના કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને જામીન આપવાના નીચલી કોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો.1984ના રમખાણો સંબંધિત કેસોની તપાસ કરી રહેલી SITએ 27 એપ્રિલના એડિશનલ સેશન્સ જજ (એએસજે), રાઉઝ એવન્યુ કોર્ટના કુમારને જામીન આપવાના નીચલી કોર્ટના આદેશને પડકાર્યો હતો.

જસ્ટિસ યોગેશ ખન્નાએ 1984ના શીખ વિરોધી રમખાણોની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમ (SIT)ની અરજી પર પણ નોટિસ જારી કરી હતી અને આ મામલાની વધુ સુનાવણી 15મી જુલાઈએ રાખી હતી.

હાઈકોર્ટને કહેવામાં આવ્યું હતું કે કુમાર એક જઘન્ય અપરાધમાં સંડોવાયેલ છે અને કેટલાક મહત્વપૂર્ણ સાક્ષીઓની તપાસ કરવાની બાકી છે. તેથી, એસઆઈટીએ દલીલ કરી હતી કે, જો તેને જામીન પર છોડવામાં આવે છે, તો તે પુરાવા સાથે ચેડા કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે કુમાર 1984ના રમખાણોના અન્ય કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હોવાથી જેલમાં છે.

(8:10 pm IST)