Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ટ્રાફિકના નિયમો તોડનારી યુવતીને ૨૪.૩૫ લાખ દંડ

બ્રિટનમાં ટ્રાફિકના નિયમો તોડનારી યુવતી ચર્ચામાં : યુવતીની કારમાં આયર્લેન્ડની નંબર પ્લેટ હતી, ૧૮ મહિના માટે ડ્રાઈવિંગ માટે અયોગ્ય ઠેરવવામાં આવી

કાર્ડિફ, તા.૬ : ટ્રાફિકના નિયમો તોડવા બદલ એક યુવતીને ૩૩ વખત દંડ ફટકારવામાં આવ્યો છે. આ યુવતી ૩ મહિનામાં ૩૩ વખત ઓવર સ્પીડમાં ઝડપાઈ હતી. આ કારણથી યુવતીને ૨૪ લાખ ૩૫ હજાર રૃપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેના ડ્રાઈવિંગ પર પણ દોઢ વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

અહેવાલ અનુસાર, આ યુવતીનું નામ એન મેરી કેશ છે. તેણી બ્રિટેન કાર્ડિફ (સાઉથ વેલ્સ)ની રહેવાસી છે. તેની કારને ઓવર સ્પીડમાં ગયા વર્ષે ઓગસ્ટ અને ઓક્ટોબર વચ્ચે ૩૩ વખત સ્પીડ કેમેરામાં ઝડપાઈ હતી. કારમાં આયર્લેન્ડની નંબર પ્લેટ હતી. યુવતીને ૨૪ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે તેને ૧૮ મહિના માટે ડ્રાઈવિંગ માટે અયોગ્ય ઠેરવવામાં આવી છે.

એન મેરી કેશની કાર એક જ દિવસમાં ૮ વખત ઓવર સ્પીડમાં જોવા મળી હતી. ત્યારબાદ પોલીસે આ કેસની તપાસ શરૃ કરી હતી. જેથી એ જાણી શકાય કે, સતત ગુનો કરનાર વ્યક્તિ કોણ છે? પોલીસે આ દરમિયાન કારનો નંબર પણ જાહેર કર્યો હતો.

ત્યારબાદ સાઉથ વેલ્સ પોલીસે એક ગાડી પકડી હતી. આ દરમિયાન ડ્રાઈવર પાસે ન તો વીમો હતો કે ન તો લાઈસન્સ. બાદમાં પોલીસે નિશાન એઓક્સ-ટ્રેઈલ કાર જપ્ત કરી હતી. તપાસમાં ખબર પડી કે કેશ કારની માલિક છે.

એન મેરી કેશે કાર્ડિફ મેજિસ્ટ્રેટ કોર્ટને લખેલા પત્રમાં ઓવરસ્પીડિંગની કબૂલાત કરી હતી. ત્યારબાદ તેને કોર્ટ દ્વારા સુનાવણી માટે બોલાવવામાં આવી હતી. જ્યાં તેને ડ્રાઈવિંગ માટે અયોગ્ય ઠેરવવામાં આવી હતી.

(8:07 pm IST)