Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

કુલ્લુમાં વાદળ ફાટયુઃ હિમાચલમાં અનેક જગ્‍યાએ પૂરઃ ભૂસ્‍ખલનથી એકનુ મોત, ૬ લાપતા

શિમલામાં ધલ્લી ટનલ પાસે ભૂસ્‍ખલનમાં એક મહિલાનું મોત થયું હતું: જ્‍યારે એક પુરુષ અને એક મહિલા સહિત અન્‍ય બે લોકો ઘાયલ થયા હતા

નવી દિલ્‍હી, તા.૬: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. શિમલામાં ભૂસ્‍ખલનમાં એક મહિલાનું મોત થયું છે. વાસ્‍તવમાં, હિમાચલ પ્રદેશમાં આજે સવારે વાદળ ફાટવા અને અચાનક પૂરને કારણે ઘણા લોકો લાપતા થયા હતા. રાજ્‍યમાં ગુરુવાર રાતથી અવિરત વરસાદ પડી રહ્યો છે. કુલ્લુ જિલ્લાના મલાના અને મણિકર્ણનો વાદળ ફાટવાને કારણે રાજ્‍યના બાકીના ભાગો સાથે સંપર્ક તૂટી ગયો છે અને બચાવ કામગીરી ચાલુ છે. અધિકારીઓએ જણાવ્‍યું કે જિલ્લામાં છ લોકો ગુમ છે.

શિમલામાં ધલ્લી ટનલ પાસે ભૂસ્‍ખલનમાં એક મહિલાનું મોત થયું હતું, જ્‍યારે એક પુરુષ અને એક મહિલા સહિત અન્‍ય બે લોકો ઘાયલ થયા હતા. સૂત્રોએ જણાવ્‍યું કે પીડિત લોકો પર-ાંતિય કામદારો હોવાનું કહેવાય છે. ઘટના બની ત્‍યારે તેઓ રસ્‍તાની બાજુમાં તંબુમાં સૂતા હતા. ઘાયલોને સારવાર માટે ઈન્‍દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા છે. કેટલાક વાહનો પણ કાટમાળની લપેટમાં આવી ગયા હતા. દરમિયાન, કુલ્લુ અને કિન્નૌર જિલ્લામાંથી અચાનક પૂરના અહેવાલ છે.

કુલ્લુના ચોઝ ગામમાં પશુઓ ઉપરાંત ઓછામાં ઓછા ચાર લોકો ધોવાઈ ગયા હતા. ભૂસ્‍ખલનને કારણે રેસ્‍કયુ ટીમ પણ અધવચ્‍ચે જ ફસાઈ ગઈ છે. તે જ સમયે, મલાણામાં બે પાવર પ્રોજેક્‍ટ્‍સમાં કામ કરતા લગભગ ૨૫-૩૦ કામદારો, જેઓ અચાનક પૂરના કારણે ક્ષતિગ્રસ્‍ત બિલ્‍ડિંગમાં ફસાયેલા હતા, તેમને બહાર કાઢવામાં આવ્‍યા છે.

દરમિયાન, મણિકરણ ખીણના તમામ જળસ્ત્રોતોમાં પુષ્‍કળ પાણી જોવા મળી રહ્યું છે. લારજી, પંડોહ અને બિલાસપુરના અધિકારીઓ હાઈ એલર્ટ પર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર - કુલ્લુમાં રાતથી વરસાદ પડી રહ્યો હતો. આવી સ્‍થિતિમાં ચોજ નાળામાં સવારે વાદળ ફાટયું હતું. વાદળ ફાટવાના કારણે નાળાને અડીને આવેલા મકાનોને પણ ભારે નુકસાન થયું છે. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આમાં કેટલાક લોકો પણ વહી ગયા છે. ગામ તરફ જતો એકમાત્ર પુલ પણ તેની ઝપેટમાં આવી ગયો છે, જેના કારણે હવે વહીવટીતંત્રને બચાવમાં પણ ઘણી મુશ્‍કેલીનો સામનો કરવો પડશે. એસપી ગુરુદેવ શર્માએ જણાવ્‍યું કે, નાળામાં વાદળ ફાટવાની જાણ થઈ છે અને હવે પોલીસ અને વહીવટીતંત્રની ટીમને ઘટનાસ્‍થળે મોકલવામાં આવી છે. તેમણે લોકોને વરસાદની મોસમને ધ્‍યાનમાં રાખીને નદી-નાળાઓના કિનારે ન જવા વિનંતી કરી છે.

(4:26 pm IST)