Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

રાંધવાનું મોંઘુ : બાટલામાં ૫૦ વધ્‍યા : ગૃહિણીઓમાં દેકારો

આમ આદમીના ગજવા ઉપર ફરી પ્રહાર : ઓઇલ કંપનીઓએ ઘર વપરાશ માટેના બાટલાના ભાવ વધાર્યા : કોમર્શિયલના ભાવ ઘટાડયા : રાંધણગેસનો બાટલો ૧૦૨૧ આસપાસ મળતો હતો તે હવે વધીને ૧૦૭૦ - ૧૦૭૧ થયો : ૫ કિલોના નાના બાટલામાં પણ રૂા. ૧૮નો વધારો

નવી દિલ્‍હી તા. ૬ : ફરી એકવાર એલપીજીના ભાવમાં મોંઘવારીનો માર પડ્‍યો છે. તેલ કંપનીઓએ ઘરેલુ ગેસ સિલિન્‍ડરની કિંમતોમાં વધારો કર્યો છે, જેની સીધી અસર તમારા બજેટ પર પડશે. ઘરેલું ગેસ સિલિન્‍ડરના ભાવમાં રૂ.નો વધારો કરવામાં આવ્‍યો છે. સિલિન્‍ડરની નવી કિંમત ૧૦૫૬ રૂપિયા ૫૦ પૈસા હશે. બીજી તરફ ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્‍ડરની કિંમતમાં ૮.૫૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે કોમર્શિયલ ગેસ સિલિન્‍ડર ૨૦૩૮ રૂપિયામાં મળશે. તમને જણાવી દઈએ કે સરકારી ઓઈલ કંપનીઓએ ૧ જુલાઈના રોજ કોમર્શિયલ સિલિન્‍ડર સસ્‍તા કરી દીધા હતા, જયારે ઘરેલુ એલપીજી સિલિન્‍ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો ન હતો. ઘણા સમયથી લોકોને આશા હતી કે ઘરેલુ ગેસ સિલિન્‍ડરના ભાવ ઘટશે પરંતુ ઓઈલ કંપનીઓ સતત ઘરેલુ ગેસ સિલિન્‍ડરના ભાવમાં વધારો કરી રહી છે. બીજી તરફ કેન્‍દ્ર સરકાર દ્વારા સબસિડી અઘોષિત બંધ કરી દેવામાં આવી છે. આવી સ્‍થિતિમાં સામાન્‍ય માણસને મોંઘવારીનો માર સહન કરવો પડે છે.

મોંઘવારીનો માર સામાન્‍ય લોકો પર ફરી વળ્‍યો છે. ૧૪.૨ કિલોના ઘરેલુ એલપીજી સિલિન્‍ડરની કિંમતમાં વધારો થયો છે. તેમની કિંમતમાં ૫૦ રૂપિયા પ્રતિ સિલિન્‍ડરનો વધારો કરવામાં આવ્‍યો છે. હવે દિલ્‍હીમાં ઘરેલુ એલપીજી સિલિન્‍ડર ૧૦૫૩ રૂપિયામાં મળશે. ૧૪.૨ કિલોના સિલિન્‍ડરની સાથે ૫ કિલોના નાના ઘરેલુ સિલિન્‍ડરની કિંમતમાં પણ વધારો થયો છે. તેની કિંમતમાં ૧૮ રૂપિયા પ્રતિ સિલિન્‍ડરનો વધારો કરવામાં આવ્‍યો છે.

બીજી તરફ ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્‍ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્‍યો છે. તેની કિંમતમાં ૮.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્‍ડરનો ઘટાડો કરવામાં આવ્‍યો છે. જોકે, આ રાહત બહુ નથી.

થોડા દિવસો પહેલા કોમર્શિયલ સિલિન્‍ડરના ભાવમાં ૧૯૮ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્‍યો હતો જે મોટી રાહત હતી. આ નિર્ણય બાદ રાજધાની દિલ્‍હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્‍ડરની કિંમત ૨૦૨૧ રૂપિયા થઈ ગઈ હતી. પરંતુ હવે ૮.૫૦ રૂપિયાના વધુ ઘટાડા સાથે કિંમત ૨૦૧૨ રૂપિયાની નજીક આવી જશે.

આ પહેલીવાર છે કે જયારે ઘરેલુ સિલિન્‍ડરના ભાવમાં વધારો થયો છે અને કોમર્શિયલ સિલિન્‍ડરમાં ઘટાડો થયો છે. કોમર્શિયલ સિલિન્‍ડર પર, જયાં પહેલા દિવસે ૧૨૬.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્‍યો હતો, આજે ફરી તેમાં લગભગ ૮.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્‍યો છે.

LPG પર ૫ ટકા GST વસૂલવામાં આવે છે, જેમાંથી ૨.૫ ટકા કેન્‍દ્રીય ખાતામાં અને ૨.૫ ટકા રાજયના ખાતામાં જાય છે. એટલે કે ૧૯.૨૦ રૂપિયા પ્રતિ સિલિન્‍ડર કેન્‍દ્ર અને રાજયના ખાતામાં જાય છે. કોમર્શિયલ ગેસ પર ૧૮ ટકા GST  વસૂલવામાં આવે છે, જેમાંથી ૯ ટકા કેન્‍દ્રીય ખાતામાં અને ૯ ટકા રાજયના ખાતામાં જાય છે. એટલે કે ૧૨૪.૭૦ રૂપિયા પ્રતિ સિલિન્‍ડર કેન્‍દ્ર અને રાજયના ખાતામાં જાય છે.

(11:29 am IST)