Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

દેશની સર્વપ્રથમ કોરોના ટેબ્‍લેટ પરિક્ષણના પ્રથમ ચરણમાં પાસઃ હવે કલીનિકલ ટ્રાયલ

સેન્‍ટ્રલ ડ્રગ્‍સ લેબ (સીડીએલ) કસૌલીએ ટ્રાયલમાં ટેબ્‍લેટની ગુણવત્તા અને શક્‍તિનું પરીક્ષણ કર્યું હતું: આમાં VXA GOV 2 એન્‍ટરિક કોટેડ ટેબ્‍લેટ સફળતાપૂર્વક પ્રથમ સ્‍ટેજ પાર કરી ચૂકયું છેઃ હવે તેની ક્‍લિનિકલ ટ્રાયલ શરૂ થશે

નવી દિલ્‍હી, તા.૬: દેશની પ્રથમ કોરોના ટેબ્‍લેટ પરીક્ષણના પ્રથમ તબક્કામાંથી પસાર થઈ ગઈ છે. સેન્‍ટ્રલ ડ્રગ્‍સ લેબ (સીડીએલ) કસૌલીએ ટ્રાયલમાં ટેબ્‍લેટની ગુણવત્તા અને શક્‍તિનું પરીક્ષણ કર્યું હતું. આમાં VXA-GOV 2 એન્‍ટરિક કોટેડ ટેબ્‍લેટ સફળતાપૂર્વક પ્રથમ સ્‍ટેજ પાર કરી ચૂકયું છે. હવે તેની ક્‍લિનિકલ ટ્રાયલ શરૂ થશે. આ ટેબલેટ બેંગ્‍લોરની સિંજિન કંપની દ્વારા યુએસથી આયાત કરવામાં આવ્‍યું છે. કંપનીએ આ વર્ષના અંત સુધીમાં આ દવાને બજારમાં ઉતારવાનો દાવો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તમામ ટ્રાયલ સફળ થાય છે, તો આ ટેબ્‍લેટનું સેવન કર્યા પછી, કોરોના દર્દી પર તેની અસર દેખાવાનું શરૂ થઈ જશે અને તે થોડા દિવસોમાં સ્‍વસ્‍થ થઈ જશે.

માર્કેટમાં તેના આવ્‍યા બાદ કોરોના વેક્‍સીનની રસીથી પણ છુટકારો મળી જશે અને શરીરમાં જલ્‍દી જ એન્‍ટિબોડીઝ પણ બનશે. ટેબ્‍લેટની ગુણવત્તા અને શક્‍તિનું પરીક્ષણ CDL કસૌલી ખાતે કરવામાં આવે છે. જોકે, કોરોના ટેબલેટને માર્કેટમાં લૉન્‍ચ કરતા પહેલા ટેસ્‍ટિંગના વધુ બે તબક્કામાંથી પસાર થવું પડશે. આ સાથે રસીના ક્‍લિનિકલ ટ્રાયલ પણ થશે. કંપનીએ આની જાણ ડ્રગ્‍સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્‍ડિયા (DCGI)ને કરવાની રહેશે. ટેબલેટની ટ્રાયલ મે મહિનામાં સીડીએલ કસૌલી ખાતે શરૂ થઈ હતી. જો તે તમામ માપદંડોને પૂર્ણ કરે છે, તો તે દેશની પ્રથમ કોરોના ટેબ્‍લેટ હશે. સીડીએલ કસૌલીની વેબસાઇટ પર આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

પ્રથમ તબક્કો પસાર કર્યા પછી, બીજી ટ્રાયલ ૧૦ ઓગસ્‍ટથી શરૂ થશે. આ માટે કંપની દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે. આટલું જ નહીં, કંપની તેની ટ્રાયલ બેચને ફરીથી પરીક્ષણ માટõ CDL કસૌલી મોકલશે.

અત્‍યાર સુધીમાં DCGI એ ભારતમાં કોવિશિલ્‍ડ, કોવેક્‍સિન, સ્‍પુટનિક-વી, મોડર્ના, જોન્‍સન એન્‍ડ જોન્‍સન, જયકોવ ડી, કોર્બેવેક્‍સ, કોવોવેક્‍સ, સ્‍પુટનિક લાઇટ સહિત અન્‍ય કોરોના રસીઓને મંજૂરી આપી છે.

(10:28 am IST)