Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

બાબા અમરનાથનું શીવલીંગ રર માંથી ૧ર ફુટ થયું

ગ્લોબલ વોર્મીંગથી દર વર્ષે તાપમાનમાં સતત વધારો થતા એક મહિનામાં જ : આ વર્ષે પણ શિવજી વહેલા અંતર્ધાન થશેઃકોરોનાના કારણે ર૧ જુલાઇથી ૧૪ દિવસ યાત્રા યોજાશેઃ માત્ર ૭ હજાર ભાવિકોને જ દર્શનની મંજુરી

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા. ૬: ગ્લોબલ વોર્મીંગે ૧૪પ૦૦ ફુટની ઊંચાઇએ સ્થિત અમરનાથ ગુફામાં બનતા હિમલીંગના અસ્તીત્વ ઉપર આ વખતે પણ ખતરો ઉભો કર્યો છે. કેમકે હિમલીંગ સમયથી પહેલા પીગળી જવાની શકયતા છે. ઘણા વર્ષોથી શ્રધ્ધાળુઓની વધતી સંખ્યાની સાથે ગ્લોબલ વોર્મીંગથી શીવલીંગ વહેલું પીગળી જાય છે.

આ વર્ષે કોરોનાના કારણે અમરનાથ યાત્રા પ્રતિકારત્મક રૂપે જ સંપન્ન થશે. ર૧ જુલાઇથી ૧૪ દિવસમાં યાત્રા પૂર્ણ કરાશે. જે માટે ૭ હજાર લોકોને જ પરવાનગી અપાઇ છે. જો કે ભાવીકોને ગ્લોબલ વોર્મીંગના કારણે શીવલીંગ વહેલું પીગળી જવાની સંભાવના વચ્ચે દર્શન ન થઇ શકે તેવી શકયતા છે.

યાત્રાની તૈયારી સાથે જોડાયેલ અધીકારીઓ મુજબ લગભગ ૧ મહિના પહેલા અનલોક-૧ શરૂ થયા પૂર્વે શીવલીંગ પૂર્ણ આકારનું હતું. જે લગભગ ર૦ થી રર ફુટની ઊંચાઇનું હતું. જે ઝડપથી ઓગળી રહ્યું છે. જો કે ઘણા વર્ષોથી આ ઘટના બની રહી છે.

જાણકારો મુજબ અમરનાથ ગ્લેશીયરોથી ઘેરાયેલું છે. તેવામાં અહીં આવતા લોકોના કારણે તાપમાનમાં વધારો થાય છે. જેથી ગ્લેશીયર ઝડપથી ઓગળે છે. આંકડાઓ મુજબ ર૦૧૬માં ભકતોના મોટા પ્રવાહના કારણે ૧૦ દિવસમાં શીવલીંગ દોઢ ફુટનું થઇ ગયેલ. ત્યાર સુધીમાં ફકત ૪૦ હજાર ભકતોએ જ બાબાના દર્શન કરેલ.

જયારે ર૦૧૩માં પણ શીવલીંગની ઉંચાઇ ૧૪ ફુટ હતી અને યાત્રા પૂર્ણ થયા પહેલા જ બાબા અંતરધ્યાન થયેલ. જો કે તે વર્ષે તાપમાનનો પારો ૩૪ ડીગ્રી પહોંચેલ. ર૦૧૮માં પણ એક મહિનામાં ર.૩૦ લાખ ભાવીકોએ બાબાના સાક્ષાત દર્શન કરેલ પણ ત્યારબાદ ભકતોએ નિરાશ થવું પડેલ.

(4:10 pm IST)