Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

૩૦ કલાકમાં ૯II ઈંચ : રાજકોટમાં મેઘરાજાનું તોફાની બેટીંગ

ગઈકાલથી આજે સવાર સુધીમાં ૪ ઈંચ વરસ્યા બાદ આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં વધુ ૫II ઈંચ ખાબકયો : રાજકોટના રૈયા રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ સહિતના રાજમાર્ગો ઉપર પાણીની નદી વહી : અનેક લોકોના વાહનો બંધ પડી ગયા

રાજકોટની સૂકી ભઠ્ઠ ધરતીને ભીંજવતા-વહાલ વરસાવતા મેઘરાજાઃ જનજીવનને અસર.... : રાજકોટઃ ગઇકાલ રાત અને આજે વહેલી સવારથી શહેર ઉપર મેઘરાજા વહાલ વરસાવી રહ્યા છે. બપોરે ર વાગ્યે પણ ધોધમાર વરસાદ ચાલૂ છે, શહેરની સૂકી ભઠ્ઠ ધરતીને મેઘરાજાએ અવિરત વહાલ વરસાવી ભીંજવી દીધી અને લોકોના હૈયા પૂલકિત બની ગયા છે, ધોધમાર વરસાદથી લોકો ખુશખુશાલ થઇ ગયા છે, શહેરના રાજમાર્ગો-૧પ૦ ફુટરીંગ રોડ-માધાપર ચોકડી-બીઆરટીએસ-રૂટ કાલાવાડ રોડ-યાજ્ઞિક રોડ, અકિલા-સદર વિસ્તાર-શ્રોફ રોડ-જામટાવર રોડ-સહિતના વિસ્તારોમાં જીણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા  મળ્યા હતા, બીઆરટીએસ રૂટ ઉપર તો ફોરવ્હીલર હેરાન-પરેશાન થઇ ગયા હતા અનેક ગાડીઓ બંધ થઇ જવા પામી હતી. જનજીવનને વ્યાપક અસર જોવા મળી હતી, અબાલ-વૃદ્ધ-આધેડ દંપતિ પોતાના કામ અંગે બહાર નીકળ્યા પણ હેરાન પરેશાન થયા હતા, ભારે પાણી ભરાતા ટુ વ્હીલર બંધ પડી જતા વરસતા વરસાદમાં સ્કુટર ચાલીને દોરી જવા માટેમહેનત કરવી પડી હતી, આ બધા દ્રશ્યો જોઇ મેઘરાજાને સેલ્યુટ કરવી પડે અને કહેવું પડે તમે તો તમે છો હો!! (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૬ : સમગ્ર સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ જમાવટ કરી છે. રાજકોટ જિલ્લામાં પણ અનરાધાર વરસ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં પણ મેઘરાજાએ જમાવટ કરી છે. ગઈકાલ સવારથી આજે સવાર સુધીમાં ૪ ઈંચ બાદ આજે સવારથી બપોરે ૨ વાગ્યાથી વધુ ૫II ઈંચ ખાબકી ગયો છે. આમ ૩૦ કલાકમાં ૯II ઈંચ વરસાદ પડી ગયો છે. આ લખાય છે ત્યારે બે વાગ્યે પણ એકધારો વરસાદ ચાલુ છે. એકરસ બન્યો છે.

રાજકોટ શહેરમાં ગઈકાલે રવિવારે રજાના દિવસે સવારથી ધીમીધારે મેઘરાજાએ પધરામણી કરી હતી. જે લગભગ આખો દિવસ રીમઝીમ વરસાદ ચાલુ જ રહ્યો હતો. જેના પગલે છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમી બફારાનો અનુભવ કરતાં શહેરીજનોને રાહત મળી હતી.

ગઈકાલે આખો દિવસ ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. રવિવારની રજાનો દિવસ હોય મોટાભાગે લોકો ઘરમાં જ ફરજીયાતપણે રહેવુ પડ્યુ હતું. દરમિયાન સાંજના સમયે મેઘરાજાએ વિરામ લીધા બાદ મધરાતથી ફરી ચાલુ થઈ ગયો હતો. લગભગ આખી રાત વરસાદ ચાલુ રહ્યો હતો. સવારે ૬ વાગ્યા બાદ વરસાદનું જોર વધ્યુ હતું. ગઈકાલથી એકધારા વરસાદી માહોલના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં નિયત મુજબ પાણી ભરાઈ ગયા હતા.

આજે સવારે ૯ વાગ્યા બાદ ફરી મેઘો મંડાયો હતો. એકધારો હળવાથી મધ્યમ વરસી રહ્યો છે. આમ, ગઈકાલથી આજે બપોરે ૨ સુધીમાં કુલ ૯II ઈંચ પાણી પડી ગયુ છે અને વરસાદ હજુ પણ ચાલુ છે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફલડ કંટ્રોલમાં નોંધાયેલ આંકડા મુજબ ગઈકાલ સવારથી આજે સવાર સુધીમાં ૪ ઈંચ અને સવારથી બપોરે બે સુધીમાં વધુ ૫II ઈંચ ખાબકયો છે. સવારે ૯ થી ૧૨ સુધી બે ઈંચ બાદ બપોરે ૧૨ થી ૨ વાગ્યા સુધી સેન્ટ્રલ ઝોન ૫૬ મી.મી., વેસ્ટ ઝોન ૪૧ મી.મી. અને ઈસ્ટ ઝોનમાં ૮૩ મી.મી. વરસાદ નોંધાયો છે.

(3:58 pm IST)