Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

૩-૪ દિ' કચ્છથી સુરત સુધીના વિસ્તારોમાં અનરાધાર વરસશે

બે થી ત્રણ સિસ્ટમ્સની અસરથી સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં એકધારો વરસાદ ચાલુ જ રહેશેઃ મુંબઈમાં આજે બે ઈંચ જેટલો ખાબકશે : મહારાષ્ટ્રમાં આવતીકાલથી વરસાદનું જોર ઓછુ થઈ જશે : છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં એક સપ્તાહ સુધી વરસાદ ચાલુ રહેશે : સ્કાયમેટ

નવી દિલ્હી : સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં ત્રણ થી ચાર દિવસ એકધારો વરસાદ ચાલુ રહેશે. ખાસ કરીને સુરતથી કચ્છ સુધીના વિસ્તારોમાં અનરાધાર વરસાદની આગાહી વેધરની સંસ્થા સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે. દેશભરમાં અનેક સિસ્ટમ્સ બનેલી છે. જેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર - ગુજરાત ઉપર જોવા મળશે.

જયારે મુંબઈમાં આજે બે ઈંચ આસપાસ વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્રમાં આવતીકાલથી વરસાદનું જોર ઓછુ થતુ જશે. તો છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વરસાદી એકટીવીટી ચાલુ છે અને આગામી એક સપ્તાહ સુધી વરસાદનંુ જોર રહેશે.

દેશભરમાં જુલાઈ સુધીમાં સામાન્યથી ૧૨ ટકા વધુ વરસાદ પડ્યો છે. જે ઝડપથી ૨૦ ટકાએ પહોંચી જવાની સંભાવના છે. ગુજરાત, છત્તીસગઢ, ઓરીસ્સામાં ધમધોકાર વરસી રહ્યો છે. પૂર્વોત્તર ભારતમાં પણ સારો વરસાદ પડ્યો છે.

જયારે ઉત્તર - પશ્ચિમ ભારતમાં વરસાદમાં સામાન્યથી પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે.

એક લોપ્રેસર ગુજરાત ઉપર છવાયેલુ છે. આગામી ૨૪ કલાકમાં વધુ મજબૂત બની વેલમાર્ક લો-પ્રેસર કે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ચોમાસુ રેખા ઉત્તરથી મધ્ય ભારત ઉપર આવી ગઈ છે. તેની સાથે બંગાળની ખાડીમાં લોપ્રેસર બનેલુ છે. બીજુ એક લોપ્રેસર રાજસ્થાન ઉપર છવાયેલુ છે.

આ તમામ સિસ્ટમ્સની અસરથી સૌરાષ્ટ્ર - ગુજરાત - કચ્છમાં એકધારો મુશળધાર વરસાદ ચાલુ રહેશે. અમુક જગ્યાએ મુશ્કેલભરી પરિસ્થિતિ પણ સર્જાશે. 

ગુજરાતના ઉત્તર - પૂર્વના રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં ધારણા મુજબ વરસાદ નહિં પડે પણ વરસાદી માહોલ જોવા મળશે.

સમગ્ર ગુજરાતભરમાં વાદળો છવાયેલા રહેશે અને ત્રણ - ચાર દિવસ વરસાદી માહોલ છવાયેલ રહેશે. સુરતથી કચ્છ સુધી ધોધમાર વરસાદ પડશે.

જયારે મુંબઈમાં બે ઈંચ જેટલો વરસાદ થવાની શકયતા છે. પવનનું જોર રહેશે. મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદનું જોર ઓછુ થઈ જશે. ૨૪ કલાક બાદ વરસાદમાં વધુ ઘટાડો આવી જશે.

છત્તીસગઢ અને મધ્યપ્રદેશ મધ્ય ભારતના બે રાજયોમાં અમુક જિલ્લાઓને બાદ કરતા કેટલાક દિવસોથી વરસાદ ચાલુ છે અને એક સપ્તાહ સુધી વરસાદી માહોલ બની રહેશે. ઓરીસ્સામાં પણ વરસાદ ચાલુ રહેશે.

(1:00 pm IST)