Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

સોનિયા ગાંધી સંગઠનમાં કરશે ધરખમ ફેરફાર

રાહુલ ગાંધી હાલ અધ્યક્ષ બનવા નથી માંગતાઃકોઇને પ્રમોશન મળશે તો કોઇની છુટી થશેઃ જોરશોરથી તૈયારી

નવી દિલ્હી,તા.૬: કોંગ્રેસ પક્ષમાં ટુંક સમયમાં સંગઠનમાં ધરખમ ફેરફારો થાય તેવી શકયતા છે. પક્ષના અનેક નેતાઓ જે વર્ષોથી સચિવ અને પ્રભારીઓ વચ્ચે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમાંથી અડધો ડઝનને મહામંત્રી બનાવી તેઓને પ્રમોશન આપવામાં આવશે. એટલા જ વયોવૃધ્ધ નેતાઓને રજા પણ આપી દેવામાં આવશે.

તો બીજી તરફ રાહુલ ગાંધી આ વર્ષે તો કોંગ્રેસના પ્રમુખની ભુમિકામાં જોવા નહિ મળે. સોનિયા ગાંધી જ હાલ જવાબદારી નિભાવતા રહેશેે. પક્ષ પાસે હાલ બે વિકલ્પ છે. તે સોનિયાને કાર્યકારી અધ્યક્ષની જગ્યાએ તેમને અધ્યક્ષ તરીક ે નિમવાની ઔપચારીકતા પુરી કરે કે પછી ચૂંટણી પંચ પાસે સંગઠનની ચૂંટણી માટે વધુ સમય માંગે. રાહુલના વિશ્વાસુઓ કહે છે કે, રાહુલ હાલ તો સાંસદ તરીકે સક્રિય રહેવા માંગે છે.રાહુલ ઇચ્છે છે, સંગઠનમાં જે પ્રકારના ફેરફાર અધ્યક્ષ હતા. ત્યારે તેમણે કર્યા હતા તે દિશામાં પક્ષ આગળ વધે. રાહુલે પોતાની ઇચ્છા કોંગ્રેસ અધ્યક્ષને જણાવી દીધી છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ બિહાર અને પં.બંગાળમાં યોજાનારી ચૂંટણી સોનિયાના નેતૃત્વમાં જ લડશે.

રાહુલે સંગઠનમાં ફેરફાર શરૂ કર્યા હતા. જેમાં અનેક મહામંત્રી ઉપર જુથબંધી વધારવા અને નિષ્ક્રીય રહેવાના આરોપ હતા. તેમને હટાવાયા હતા. અથવા તો જવાબદારી પરત લેવામાં આવી હતી. અનેક વડિલ મહામંત્રી પાસે ૩-૪ રાજયોનો પ્રભાર હતા. અને ત્યાં પક્ષ નબળો પડયો હતો. ત્યાં જવાબદારી યુવાનોને સોંપાઇ હતી.દેશના વર્તમાન માહોલમાં પક્ષ એવા લોકોને આગળ લાવવા માંગે છે જે વિષમ પરિસ્થિતીમાં પણ કામ કરતા રહે. સંગઠન મજબુત થયા પછી જ રાહુલ પાછા ફરશે.

(11:44 am IST)