Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

જૂનમાં રૂ.૧૨.૪૦ લાખ કરોડની મૂલ્યના ૪.૨૭ કરોડ ઇ-વે બિલ જનરેટ થયા

માર્ચમાં જનરેટ કરાયેલા ૧૧.૪૩ લાખ કરોડ રૂપિયાની મૂલ્યવાળા ચાર કરોડ બિલથી વધારે છે

નવી દિલ્હી,તા.૬: જૂનમાં સરેરાશ ૧૪ લાખથી વધારે ઇ-વે બિલ જનરેટ થયા છે. નવી કરપ્રણાલી જીએસટી પ્રણાલીમાં રૂ.૫૦,૦૦૦થી વધારે મૂલ્યના માલસામાનના પરિવહન માટે ઇ-વે બિલ આવશ્યક હોય છે. જીએસટી નેટવર્ક (જીએસટીએન) એ રવિવારે કહ્યુ કે, જૂનમાં દરરોજ ૧૪.૨૬ લાખ ઇ-વે બિલ જનરેટ કરાયા છે જે કોરોના વાયરસની મહામારીની લીધે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉન પૂર્વેના સ્તરના લગભગ ૭૭ ટકા બરાબર છે.

જીએસટીએન એ નિવેદનમાં જણાવ્યું કે, કંપનીઓ અને ટ્રાન્સપોર્ટરોએ જૂનમાં૧૨.૪૦ લાખ કરોડ રૂપિયાના માલની માટે ૪.૨૭ કરોડ ઇ-વે બિલ ઇશ્યૂ કર્યા છે. જે માર્ચમાં જનરેટ કરાયેલા ૧૧.૪૩ લાખ કરોડ રૂપિયાની મૂલ્યવાળા ચાર કરોડ બિલથી વદારે છે. નિવેદનમાં જણાવ્યુ છે કે લોકડાઉનમાં છુટછાટ બાદ આર્થિક ગતવિધિઓમાં આવેલા સુધારાના આ સંકેત છે. એપ્રિલમાં ૩.૯૦ લાખ કરોડ રૂપિયાના ૮૪.૫૩ લાખ અને મે મહિનામાં ૮.૯૮ લાખ કરોડ રૂપિયાના ઇ-વે બિલ જનરેટ કરાયા હતા. જેની તુલનામાં સરકારના પોર્ટલથી ફેબ્રુઆરીમાં ૧૫.૩૯ લાખ કરોડ રૂપિયાના ૫.૬૩ કરોડ અને જાન્યુઆરીમાં ૧૫.૭૧ લાખ કરોડ રૂપિયાના ૫.૬૧ કરોડ બિલ જનરેટ કરાયા હતા. આંકડાઓ મુજબ ૨૫ જાન્યુઆરીથી ૨૪ માર્ચ ૨૦૨૦ દરમિયાન દરરોજ સરેરાશ ૧૮.૪૯ લાખ ઇ-વે બિલ જનરેટ કરાયા છે.

લોકડાઉનના પ્રથમ તબક્કા ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ દરમિયાન આ આંકડો મોટા ઘટાડા સાથે ૧.૭૨ લાખ બિલ દૈનિક પર આવ્યો હતો. લોકડાઉન ૨.૦દ્ગક દરમિયાન ૧૫ એપ્રિલથી ત્રણ મે સુધી સરેરાશ દૈનિક ૩.૫૧ લાખ ઇ-વે બિલ જનરેટ કરાયા હતા. લોકાડઉનના ત્રીજા તબક્કા એટલે કે ચાર મેથી ૧૪ મે દરમિયાન દૈનિક ૬.૭૫ લાખ બિલ જનરેટ કરાયા હતા. લોકડાઉનના ચોથા તબક્કા એટલે ૧૫ મેથી ૩૧ મે સુધી દરરોજના ૯.૮૪ લાખ ઇ-વે બિલ જનરેટ કરાયા હતા. જૂનમાં અનલોક ૧.૦ દરમિયાન આ આંકડો વધીને ૧૪.૨૬ લાખ બિલ દૈનિકે પહોંચી ગયો. કોરોના વાયરસને અંકુશમાં લેવા માટે ૨૫ માર્ચથી સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરાયુ હતુ.

(11:05 am IST)