Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

પુત્રના જન્મદિનની પાર્ટીને બહાને બોલાવી મહિલા પર ગેંગ રેપ

પીણું પીવા આપ્યું હતું: પીણું પીધા બાદ મહિલા અર્ધબેભાન અવસ્થામાં હતી ત્યારે આરોપીઓએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ

મુંબઈ, તા.૬: પુત્રના જન્મદિનની પાર્ટીને બહાને બોલાવી ઘેનયુકત ઠંડું પીણું પિવડાવ્યા બાદ મહિલા પર કથિત સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના માનખુર્દમાં બનતાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અબ્દુલ જીલાની સત્તાર શેખ (૩૪), હૈદર અલી સરદાર શેખ ઉર્ફે હીરા (૩૫), મુરાદ મેહબૂબ શેખ ઉર્ફે રાજ (૨૯) અને મોહમ્મદ મુદાશીર નબી શેખ ઉર્ફે નબી ઉર્ફે રહીમ (૩૪) તરીકે થઈ હતી. આરોપી રહીમ માનખુર્દનો, જયારે બાકીના ત્રણ આરોપી માટુંગા લેબર કેમ્પ ખાતેના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

ફરિયાદી ૪૪ વર્ષની મહિલા ઈન્શ્યોરન્સ સલાહકાર તરીકે કામ કરે છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે મહિલાના ઓળખીતા આરોપી અબ્દુલે તેના પુત્રના જન્મદિનની પાર્ટી હોવાનું કહ્યું હતું. પાર્ટીમાં અબ્દુલે બોલાવી હોવાથી મહિલા તેના ઘરે ગઈ હતી. જોકે મહિલા પહોંચી ત્યારે અબ્દુલના કોઈ પરિવારજન ઘરમાં હાજર નહોતા.

ફ્રેન્ડ્સ સાથે પાર્ટી હોવાનું જણાવી આરોપીએ મહિલાને ઠંડું પીણું પીવા આપ્યું હતું. પીણું પીધા બાદ મહિલા અર્ધબેભાન અવસ્થામાં હતી ત્યારે આરોપીઓએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ ઘટના બની હોવાનું મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું.

ઘટના બાદ મહિલાને અસ્વસ્થ જેવું લાગતાં તે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ભાનમાં આવ્યા બાદ મહિલાએ ડોકટરને આપવીતી જણાવી હતી.

ડોકટર દ્વારા મળેલી માહિતી બાદ પોલીસે હોસ્પિટલમાં જઈ મહિલાનું નિવેદન નોંધ્યું હતું. પ્રાથમિક તબીબી અહેવાલમાં મહિલા સાથે કુકર્મ આચરાયું હોવાની ખાતરી થઈ હતી. એ સિવાય મહિલાના શરીર પર નખનાં ઉઝરડા પણ હોવાનું કહેવાય છે. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી ચારેય આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટે તેમને ૮ જુલાઈ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

(10:22 am IST)