Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

હવે ચીને ભુટાન સરહદે નજર બગાડી

કોઇપણ દેશની સરહદ હડપ કરવા ચીન ઉપર ભૂત સવાર

નવી દિલ્હી, તા.૬: એવું લાગી રહ્યું છે કે કોઈ પણ દેશની સરહદમાં હસ્તક્ષેપ કરવાની ચીનને આદત પડી ગઈ છે. ભારતની સાથે લદાખમાં 'છેતરપિંડી'કરનારા ચીને હવે ભૂટાનની સરહદ પર નજર બગાડી છે. ચીને કહ્યું છે કે ભૂટાનની સાથે પણ પૂર્વ ક્ષેત્રમાં તેમનો સરહદ વિવાદ છે. ચીનનો દાવો એટલા માટે અગત્યનો છે કારણ કે આ સરહદી વિસ્તાર અરૂણાચલ પ્રદેશની નજીક છે. ચીન અરૂણાચલ પ્રદેશ પર અનેકવાર પોતાનો દાવો કરી ચૂકયું છે.

ચીની વિદેશ મંત્રાલયે ભૂટાનની સાથે સરહદ વિવાદ પર એક નિવેદન જાહેર કર્યું છે. તે મુજબ, ચીન-ભૂટાન સરહદને કયારે પણ સીમાંકીત નથી કરવામાં આવી અને પૂર્વ, મધ્ય અને પશ્યિમ હિસ્સા પર લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સાથોસાથ ચીને કહ્યું છે કે તેઓ આ મામલે કોઈ ત્રીજા પક્ષની દખલ નથી ઈચ્છતું. સ્પષ્ટ છે કે ચીનનો ઈશારો ભારત તરફ છે.

રેકોર્સ્સ મુજબ, ચીન અને ભૂટાનની વચ્ચે સરહદ વિવાદ ઉકેલવા માટે વર્ષ ૧૯૮૪થી ૨૦૧૬ના વચ્ચે ૨૪ વખત મંત્રણા થઈ છે. ભૂટાનની સંસદમાં થયેલી ચર્ચા મુજબ, આ વાતચીત માત્ર પશ્ચિમ અને મધ્ય સરહદના વિવાદ પર થઈ. આ મુદ્દા પર નજર રાખનારા એક વ્યકિતએ કહ્યું કે પૂર્વ સીમાને કયારેય વાતચીતમાં સામેલ નથી કરવામાં આવી. મંત્રણ માત્ર અને માત્ર મધ્ય અને પશ્ચિમ સરહદ સુધી સીમિત છે.

ભારત અને ભૂટાનના સંબંધોઃ એકસપર્ટ્સનું માનીએ તો ચીન ત્યાં જાણી જોઈને ભારત પર દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૦૭ના ભારત-ભૂટાન વચ્ચેની મૈત્રી સંધિ મુજબ, બંને દેશ રાષ્ટ્રીય હિતો સાથે સંબંધિત મુદ્દાઓ પર એક-બીજાનો સાથ સહયોગ કરી શકે છે. ભૂટાનની સાથે ભારતના હંમેશા સારા સંબંધ રહ્યા છે. ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઇ મોદીએ પોતાનો વિદેશ પ્રવાસ તરીકે ભૂટાનની જ પસંદગી કરી હતી. તે સમયે તેઓએ કહ્યું હતું કે પડોશી દેશો સાથે મજબૂત સંબંધ જાળવી રાખવા તેમની પ્રાથમિકતા હશે.

(10:21 am IST)